Karnataka Sex Scandle | કર્ણાટક સેક્સ સ્કેન્ડલ અને જાતીય શોષણ કરવાના આરોપોથી ઘેરાયેલા જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના આખરે 35 દિવસ બાદ જર્મનીથી બેંગ્લુરુ પાછા આવી ગયા છે. એરપોર્ટ પર લેન્ડ થતાંની સાથે જ થોડીક જ મિનિટોમાં એસઆઈટીએ તેમની ધરપકડ કરી લીધી હતી. 

27 એપ્રિલે જ નાસી ગયો હતો 

પ્રજ્વલ 27 એપ્રિલે બેંગ્લુરુથી જર્મની નાસી ગયો હતો. પ્રજ્વલને મહિલા પોલીસ કર્મીઓની એક ટીમ જીપમાં બેસાડીને સીઆઈડી ઓફિસ લઈ આવી હતી. જેના પછી રાતભર સીઆઈડીની ઓફિસમાં રખાયો હતો. એસઆઈટીની ટીમ એરપોર્ટથી બે સૂટકેસ પણ તેની સાથે લઈ ગઇ હતી. 

મેડિકલ ટેસ્ટ કરાવાશે 

પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે આજે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ પણ કરવો પડશે, જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે. અહેવાલો અનુસાર, SIT પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે. જો કે, સામાન્ય રીતે કોર્ટ સાતથી 10 દિવસની જ કસ્ટડી આપે છે.

આગોતરા જામીન માગ્યા હતા પણ… 

ભારત આવતા પહેલા જ પ્રજ્વલે 29 મેના રોજ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હવે તેની ધરપકડ કરવામાં આવી હોવાથી આ હવે ટેક્નિકલ રીતે તેની જામીન અરજી છે. આ અંગે શુક્રવારે સુનાવણી થવાની છે.

તાજેતરમાં વીડિયો રિલીઝ કર્યો હતો

પ્રજ્વલ વિરૂદ્ધ અત્યાર સુધીમાં જાતીય સતામણીના ત્રણ કેસ નોંધાયા છે. આ અઠવાડિયે હાસન સીટના સાંસદ પ્રજ્વલે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેણે 31 મેના રોજ SIT સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. કર્ણાટકમાં યૌન શોષણના અનેક વીડિયો વાયરલ થયા બાદ પ્રજ્વલ રેવન્ના એપ્રિલમાં દેશ છોડીને ભાગી ગયો હતો. હાસન સીટ માટે બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થયું હતું. SITના અનુરોધ પર ઇન્ટરપોલે રેવન્ના સામે ‘બ્લુ કોર્નર’ નોટિસ જારી કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *