UK-US military officer: ભારતનો સખત વિરોધ અને ચેતવણીઓ છતાં અમેરિકા અને બ્રિટન કાશ્મીર મુદ્દે સતત હસ્તક્ષેપ કરી રહ્યા છે. બંને દેશોએ ભારત દ્વારા નિર્ધારિત રેડ લાઈનને વારંવાર ઓળંગી છે. નિષ્ણાતોનું માનવું છે કે ભારતના આંતરિક મામલે પશ્ચિમી દેશોનો હસ્તક્ષેપ વધુ વધી શકે છે. આ માનવાનું કારણ બ્રિટિશ અને અમેરિકન સૈન્ય કર્મચારીઓની તાજેતરની ગિલગિટ-બાલ્ટિસ્તાનની મુલાકાત છે. આ વિસ્તાર પરપાકિસ્તાનનો કબજો છે પરંતુ ભારત તેને પોતાનો ભાગ માનતું આવ્યુ છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રમાં આ બંને દેશોના સૈન્ય અધિકારીઓનું જવું એ ભારતમાં મોટા પાયે પ્રતિક્રિયા માટે ઉશ્કેરણીજનક છે.
ઈસ્લામાબાદમાં બ્રિટિશ હાઈ કમિશનરના સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર પોલ હેહર્સ્ટે ગુરુવારે પાકિસ્તાનમાં યુકે ડિફેન્સના એકાઉન્ટ પર પોતાના અને યુએસ એરફોર્સના અધિકારીની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે ભારે પ્રતિક્રિયા આપી હતી. ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે તેને બ્રિટિશ અધિકારીઓ દ્વારા ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
જાન્યુઆરીમાં ભારત વિરોધ વ્યક્ત કરી ચૂક્યુ છે
આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બ્રિટિશ હાઈ કમિશનરની મુલાકાતને લઈને બ્રિટિશ સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે યુકેના અધિકારીઓને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. આવી સ્થિતિમાં ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આવા ઉલ્લંઘનનો સ્વીકારી કરી શકાય નહીં. આવી જ રીતે ગત વર્ષે ઓક્ટોબરમાં પણ ભારતે પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમની પીઓકેની મુલાકાત સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
જોર્ડન, લિબિયા અને માલ્ટામાં ભારતીય રાજદૂત રહેલા અનિલ ત્રિગુણાયતે કહ્યું કે, બ્રિટિશ અધિકારીઓની આવી મુલાકાતો નવી દિલ્હીની આંતરિક બાબતો પ્રત્યે સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. આ મુલાકાતે યુકે સરકારના પાખંડને ઉજાગર કર્યો છે, જે ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટો કરી રહી છે. તેમણે કહ્યું કે ભારતના વિભાજન અને સમગ્ર કાશ્મીર વિવાદ માટે સામ્રાજ્યવાદી બ્રિટિશ સરકાર જ જવાબદાર રહી છે પરંતુ તેમણે સમજવું જોઈએ કે સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને આવી મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ જ ઉત્પન્ન કરશે.
યુએસ યુકે ભારત માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે
ઈન્ડિયન નેવીના અનુભવી અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત કમોડોર શેષાદ્રિ વાસને કહ્યું કે ભારતે ભૂ-રાજનીતિમાં બે સરહદી જોખમોનો સામનો કરવો પડ્યો છે. ભારત સરકાર અને સૈન્ય વર્તુળોમાં વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું છે કે નવી દિલ્હી સાથેના સરહદી મતભેદોને કારણે ચીન ખતરો છે. બીજી સરહદ પર અમેરિકા અને બ્રિટન જેવા કહેવાતા ભાગીદારો છે. તેઓ ભારતના સબંધમાં પોતાના વિકલ્પો ખુલ્લા રાખવા માટે મૌન રહીને કામ કરી રહ્યા છે. તેઓ ઉભરતા ભારતને રોકવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વાસને કહ્યું કે, અમેરિકા અને બ્રિટન કાશ્મીર મુદ્દા દ્વારા ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. ભારતે આ પડકારનો સામનો કરવો પડશે કારણ કે તેનું વૈશ્વિક કદ સતત વધી રહ્યું છે. ભારતમાં યુએસ એમ્બેસીમાં ઈફ્તાર પાર્ટી માટે કાશ્મીરી કાર્યકર્તાઓને આમંત્રણ આપ્યાના એક અઠવાડિયા બાદ તેમના સૈન્ય અધિકારીઓએ ગિલગિટ બાલ્ટિસ્તાનની મુલાકાત કરી છે. સૈન્ય દિગ્ગજો અને ભાજપના એક રાજ્ય પ્રવક્તાએ કાશ્મીરી કાર્યકર્તાઓના આમંત્રણને ભારત દ્વારા નિર્ધારિત ‘રેડ લાઈન’ પાર કરવાનું ગણાવ્યું કારણ કે તેઓ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરતા રહ્યા છે.