– 11 એપ્રિલથી 29,000 પાઉન્ડની લઘુત્તમ વાર્ષિક આવકની મર્યાદા લાગુ થશે
– આવતાં વર્ષથી કુશળ કર્મચારીઓ માટે આ લઘુત્તમ વાર્ષિક પગારમર્યાદા વધારીને 38,700 પાઉન્ડ કરવામાં આવશે
લંડન : બ્રિટિશ નાગરિક અને કાયમી રહેવાસીઓએ ફેમિલિ વિસા પર પાર્ટનર અથવા સ્પાઉઝને બોલાવવા માટે સૂચિત લઘુત્તમ વાર્ષિક પગારની મર્યાદાનો અમલ ૧૧ એપ્રિલ ૨૦૨૪થી તબકકાવાર લાગુ પાડવામાં આવશે તેમ સરકારના ગૃહ ખાતાએ જણાવ્યું હતું. હાલ ૧૮,૬૦૦ પાઉન્ડની વાર્ષિક લઘુત્તમ પગારમર્યાદા હતી તેને વધારીને ૨૯,૦૦૦ પાઉન્ડ કરવામાં આવી છેે. ગુરૂવારથી યુકેના કુશળ કર્મચારી વિસા એટલે કે સ્કીલ્ડવર્કર વિસા માટે નવા લઘુત્તમ વાર્ષિક પગારધોરણો અમલી બનાવવામાં આવ્યા હોવાનું સરકારે જણાવ્યું હતું.
ગૃહ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે સ્થાનિક ઘરનોકરોનો પણ વિદેશથી મળતી સસ્તી મજૂરીની સ્પર્ધામાંથી છૂટકારો થશે. જો સરકારે ગયા વર્ષે આ ધોરણો લાગુ પાડયા હોત તો ત્રણ લાખ લોકોને યુકેમાં પ્રવેશ મળ્યો ન હોત.
હવે વિદેશથી મળતી સસ્તી મજૂરી બંધ કરવાનો સમય પાકી ગયો છે. સામૂહિક સ્થળાંતર ટકી શકે નહીં અને તે ન્યાયી નથી. તેના કારણે જેઓ બે છેડાં માંડ મેળવી શકે છે તેમને શોષાવાનો વારો આવે છે.
જે અરજદારો તેમના પરિવારજનોને ફેમિલિ વિસા પર લાવવા માંગતા હોય તેમને માટે ૧૧ એપ્રિલથી લઘુત્તમ વાર્ષિક પગાર મર્યાદા ૧૮,૬૦૦ પાઉન્ડ છે તે વધીને ૨૯,૦૦૦ પાઉન્ડ થઇ જશે. આવતાં વર્ષથી કુશળ કર્મચારીઓ માટે આ લઘુત્તમ વાર્ષિક પગારમર્યાદા વધારીને ૩૮,૭૦૦ પાઉન્ડ કરવામાં આવશે. ગૃહ ખાતાએ જણાવ્યું હતું કે આ પગાર મર્યાદા વધારવાથી અરજદાર તેમના પરિવારજનોની નાણાંકીય રીતે બરાબર સંભાળ લઇ શકશે. સરકાર માને છે કે કોઇ ક્ષેત્રે કાયમી ધોરણે ઇમિગ્રેશન પર આધારિત રહેવું જોઇએ નહીંં. તેથી આજથી શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ પણ નાબૂદ કરવામાં આવે છે. હવે એમ્પલોયર્સ શોર્ટેજ ઓક્યુપેશનમાં યુકેના કર્મચારીઓ કરતાં ઇમિગ્રન્ટને ઓછો પગાર આપી શકશે નહીં. ઇન્ડિપેન્ડેન્ટ માઇગ્રેશન એડવાઇઝરી કમિટિ-એમએસી- દ્વારા બનાવવામાં આવેલાં નવાં ઇમિગ્રેશન સેલરી લિસ્ટમાં એવા જ કાર્યોને સમાવવામાં આવશે જેમાં કૌશલ્યની જરૂર પડે અને તેની અછત હોય.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિકસ -ઓએનએસ-ના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન કુશળ કર્મચારી રૂટ હેઠળ અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં ૧૧ ટકાનો ઘટાડો થયો હતો.
અગાઉ ૨૦,૩૬૦ વિસાની સામે નવા ૧૮,૧૦૭ વિસા જારી કરાયા હતા. આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૨૩માં પુરા થયેલાં વર્ષમાં ફેમિલિ વિસા મેળવનારા ભારતીયોની સંખ્યા ૪૩,૪૪૫ રહી હતી. સ્ટુડન્ટ વિસા કેટેગરીમાં પણ ભારતીય નાગરિકોની સંખ્યા સૌથી વધારે રહી હતી. ૪૩ ટકા ભારતીયોએ પોસ્ટ સ્ટડી ગ્રેજ્યુએટ વિસા રૂટ અપનાવ્યો હતો.