Maldives Foreign Minister Musa Jamir : માલદિવ્સ સાથે તણાવ દરમિયાન ભારત જરુરીયાતની ચીજવસ્તુઓના નિકાસ માટે મંજૂરી આપી છે. ભારતના આ વલણ બાદ માલદિવ્સના વિદેશ મંત્રીએ ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. માલદિવ્સના વિદેશ મંત્રી મૂસા જમીરે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, ‘માલદિવ્સને વર્ષ 2024-25 દરમિયાન ભારતમાંથી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા સક્ષમ બનાવવા માટે ક્વોટાના નવીનીકરણ માટે હું વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેમણે કહ્યું કે, “આ એક પ્રતીક છે, જે લાંબા સમયથી આપણા બંને દેશો વચ્ચે ચાલી આવતી મિત્રતા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને વાણિજ્યને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”
ભારતે ‘પાડોશી પહેલા’ ની નીતિ અદા કરી
માલદિવ્સમાં ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ભારત ‘પાડોશી પહેલા’ની નીતિ પર ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે માલદિવ્સને આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ વધારવા સંમતિ આપી છે. મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી માલદિવ્સમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેવામાં ભારતનો આ નિર્ણય ઘણો મહત્ત્વનો ગણી શકાય છે. માલદિવ્સમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમા કેન્દ્ર સરકારના નિર્ણયની વિગતો આપવામાં આવી છે.
ભારતે નિકાસને મંજૂરી આપી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘માલદિવ્સ સરકારની વિનંતી પર ભારત સરકારે કેટલીક ચોક્કસ માત્રામાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. આ સાથે નિકાસ કરવામાં આવતી દરેક વસ્તુઓનો ક્વોટા વધારવામાં આવ્યો છે અને 1981માં આ વ્યવસ્થા દાખલ કરવામાં આવ્યો ત્યાર બાદ નિકાસની મંજૂરી આપવામાં આવેલ માત્રા સૌથી વધારે છે. નિકાસની મંજૂરીની માત્રાઆ માલદિવ્સના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કઈ-કઈ વસ્તુઓની માલદીવને જરુર છે?
આ સુધારેલા કવોટામાં નદીની રેતી અને પત્થરો જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓમાં વધારો જોવા મળ્યો છે. જે માલદીવના બાંધકામ ક્ષેત્ર માટે આ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સામગ્રીઓની નિકાસ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે કુલ 10 લાખ મેટ્રિક ટન નિકાસ માટે ઉપલબ્ધ હશે. આ સિવાય ખાદ્યખોરાકી વસ્તુઓમાં ઈંડા, બટાકા, ડુંગળી, ખાંડ, ચોખા, ઘઉંનો લોટ અને કઠોળ જેવી વિવિધ આવશ્યક ખાદ્ય ચીજોની નિકાસ મર્યાદામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા પણ ભારત તેના પાડોશી દેશોને મુશ્કેલીના સમયમાં મદદ કરતું આવ્યું છે.