Image Source: Twitter
Kangana Ranaut: બોલિવુડ ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે. હાલમાં કંગના રનૌત જોરશોરથી પ્રચાર પ્રસાર કરી છે. તેમને આશા છે કે, આ ચૂંટણીમાં તેમની જીત થશે. કંગનાએ એક ન્યૂઝ ચેનલ સાથે ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ પર વાત કરી છે. આ દરમિયાન કંગનાએ પોતાના ફિલ્મી કરિયર અંગે મોટું એલાન કર્યું છે.
રાજકારણ માટે બોલિવૂડ છોડી દેશે કંગના?
કંગનાએ આ દરમિયાન સંકેત આપ્યો કે, જો તે ચૂંટણી જીતી જશે તો ધીમે-ધીમે ફિલ્મી દુનિયા છોડી દેશે. કારણ કે, તે એક જ કામ પર ફોકસ કરવા માગે છે. કંગનાને પૂછવામાં આવ્યું કે, ફિલ્મ અને રાજકારણ બંનેને કેવી રીતે મેનેજ કરશે? તેના પર એક્ટ્રેસે જવાબ આપ્યો કે, હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી હું રાજનીતિ જ કરીશ. આઈડિયલી હું માત્ર એક જ કામ કરવા માગુ છું.
જો મને એવું લાગે કે, લોકોને મારી જરૂર છે તો હું એ જ દિશામાં જઈશ. જો હું મંડીથી જીતી જઈશ તો પછી હું રાજનીતિ જ કરીશ. મને અનેક ફિલ્મમેકરે રાજકારણમાં ન જવા કહ્યું. તમારે લોકોની આશા પર ખરા ઉતરવું જોઈએ. મારી અંગત મહત્વકાંક્ષાઓના કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે તો યોગ્ય નથી ને. હું એક પ્રિવિલેજ લાઈફ જીવી છું અને જો હવે લોકો સાથે જોડાવાની તક મળી રહી છે તો તેને પણ પૂરી કરીશ.મને લાગે છે કે, સૌથી પહેલા લોકોને તમારી પાસે જે આશા છે તેની સાથે જસ્ટિસ કરવું જોઈએ.
રાજકારણ અને ફિલ્મી દુનિયામાં કેટલો ફર્ક?
એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે, ફિલ્મોની તુલનામાં રાજકારણની લાઈફ એકદમ અલગ હોય છે. શું આ બધું તેમને શૂટ થઈ રહ્યું છે? આ સવાલના જવાબમાં કંગનાએ કહ્યું કે, ફિલ્મોની એક જૂઠી દુનિયા છે. તેમાં એક અલગ જ માહોલ તૈયાર કરવામાં આવે છે. લોકોને આકર્ષિત કરવા માટે એક બબલ બનાવવામાં આવે છે. પરંતુ રાજકારણ એક હકીકત છે. લોકો સાથે તેમની આશા પર ખરા ઉતરવાનું છે. હું પબ્લિક સર્વિસમાં નવી છું. મારે ઘણું બધુ શીખવાનું છે.