Image Source: Twitter
Lok Sabha Election 2024, Raebareli Seat: દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ત્યારથી આખા દેશની નજર ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ બે બેઠકો અમેઠી અને રાયબરેલી પર હતી. કારણ કે, કોંગ્રેસે અંતિમ દિવસ સુધી આ બેઠકો પર ઉમેદવારો જાહેર નહોતા કર્યા. જોકે, હવે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પહોંચતા રાયબરેલી પર રાહુલ ગાંધી લડશે કે પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવી અટકળોએ જોર પકડ્યુ હતું. જોકે, બંને બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે શુક્રવારે રાહુલ ગાંધીએ રાયબરેલી પરથી ઉમેદવારી નોંધાવી છે જ્યારે અમેઠી બેઠક પર કોંગ્રેસે ગાંધી પરિવારના વિશ્વાસુ કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને છેલ્લી ચૂંટણીમાં અમેઠીમાં હરાવ્યા બાદ હવે ભાજપ તેમના નવા મતવિસ્તાર રાયબરેલીમાં તેમને ઘેરવામાં વ્યસ્ત છે. ભાજપે અહીંના સ્થાનિક નેતા અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિનેશ પ્રતાપ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધી જાતિ સમીકરણો અહીં બહુ અસરકારક નથી રહ્યા. પરંતુ આ વખતે ભાજપ રાહુલ ગાંધીને ઘેરવા માટે તેમના પર વધુ ભાર આપી રહી છે.
કોંગ્રેસને ગઢ ગણાતી રાયબરેલી બેઠક પર પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના બદલે આ વખતે રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાહુલ ગાંધી સામે સ્થાનિક ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ પર દાવ લગાવ્યો છે. છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેઓ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા. ત્યારબાદ ભાજપે તેમને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી બનાવ્યા હતા.
ઘણા પ્રમુખ કોંગ્રસ નેતા હવે ભાજપ સાથે
દિનેશ પ્રતાપ સિંહ એમએલસી તરીકે ચૂંટાયા હોવાને કારણે ગામના આગેવાનોમાં તેમની સારી પકડ છે. આ ઉપરાંત ગત વર્ષોમાં રાયબરેલીના ઘણા પ્રમુખ કોંગ્રેસી નેતાઓ હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીંના પ્રમુખ કોંગ્રેસ નેતા રહેલા અખિલેશ કુમાર સિંહની પુત્રી અદિતિ સિંહ હવે રાયબરેલીથી ભાજપના ધારાસભ્ય છે. રાયબરેલીમાં પાંચ વિધનસભા ક્ષેત્ર બછરાંવા, હરચંદપુર, રાયબરેલી, સરેની અને ઉંચાહાર છે. જેમાંથી રાયબરેલીને છોડીને ચાર પર સપાના ધારાસભ્યો જીત્યા હતા. તેમાંથી એક ઉંચાહારના ધારાસભ્ય મનોજ પાંડેએ રાજ્યસભાની ચૂંટણીને લઈને સપાના ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપના નજીકના છે. તેમના ભાઈ અને પુત્ર ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
OBC સમુદાયનો સાથ મળવાની આશા
અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારને સામાજિક સમીકરણોથી વિરુદ્ધ મત મળ્યા છે પરંતુ આ વખતે ભાજપ રાહુલ ગાંધીને ઘેરવા માટે આ સમીકરણો પર કામ કરી રહ્યું છે. બીજેપીનું માનવું છે કે અન્ય સમુદાયોની સાથે ઓબીસી સમુદાયનો મોટો વર્ગ પણ તેની સાથે રહેશે.
ભાજપ ચૂંટણી પ્રચારના મેદાનમાં રાહુલ ગાંધી પર અમેઠીમાં હાર અને આ બેઠકને છોડવાનો ઠપ્પો પણ લગાવી રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં કોને પોતાની સાથે રાખશે તેને પણ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
ભાજપે સોનિયા ગાંધીની સામે પણ દરેક ચૂંટણીમાં અહીં પોતાની તાકાત વધારી છે. તેને 2009માં ત્રણ ટકા વોટ મળ્યા હતા જે 2014માં વધીને 21 ટકા થઈ ગયા હતા. 2019માં આ આંકડો 38 ટકા પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં ભાજપ 12 ટકા વધુ વોટ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપનું માનવું છે કે સોનિયા ગાંધીની જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે અને લોકો ગાંધી પરિવારથી દૂર જઈ રહ્યા છે. હવે તેમાં વધુ વધારો થશે.
રાયબરેલીમાં જાતીય સમીકરણ
બ્રાહ્મણ 11%
રાજપૂત 09%
યાદવ 07%
મુસ્લિમ 06%
લોધ 06%
કુર્મી 04%
દલિત 34%
અન્ય 23%