Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ અને શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ બંનેએ અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાનું જણાવ્યું છે. જોકે, એવી ચર્ચા પણ છે કે લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહ નારાજ હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઇમેઇલ મારફતે રાજીનામા પત્ર મોકલવામાં આવ્યા છે.
શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અન્ય હોદ્દેદારો, સરપંચો અને કાર્યકરો સહિત 25 થી વધુએ રાજીનામા આપ્યા છે. જેના કારણે હવે પંચમહાલ કોંગ્રેસની કમર તૂટી છે. શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણએ લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. હવે આગામી દિવસોમાં દુષ્યંતસિંહના સમર્થકો પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો સેવાઇ રહી છે. અહીં નોંધનીય છે કે, રશ્મિકાબેન ચૌહાણ કે જેમને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગોધરા બેઠક પરથી ટિકિટ આપી હતી.