– 42 હજારનો મુદ્દામાલ જપ્ત

– બે વર્ષથી ગાંજાનું વેચાણ કરતા શખ્સને એસઓજીએ ઝડપી પાડયો

આણંદ : બોરસદ તાલુકાના ગોરેલ ગામે ધર્મજ રોડ ઉપર સીમ વિસ્તારમાં એક મકાનમાંથી આણંદ એસઓજીએ ૩.૯૨૦ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો શખ્સ છેલ્લા બે વર્ષથી ગાંજાનું છુટક વેચાણ કરતો હોવાનું ખુલતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.  એસઓજીએ શખ્સને તારાપુર સીપીઆઈના હવાલે કર્યો છે.

આણંદ એસઓજીની ટીમ સોમવારે પેટ્રોલીંગમાં હતી. ત્યારે ગોરેલ ગામે ધર્મજ રોડ ઉપર સીમ વિસ્તારમાં રહેતા મગનભાઈ ઉર્ફે ભગત ડાહ્યાભાઈ ઠાકોર પોતાના ઘરે ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતા મગનભાઈ ઠાકોરને ઝડપી પાડી મકાનની ઓસરીની તલાશી લેતા ખાટલા નીચેથી એક પ્લાસ્ટીકની મીણીયાની થેલીમાંથી વનસ્પતિજન્ય ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેથી આ અંગે આણંદ એફએસએલને જાણ કરતા એફએસએલની કીટ સાથે નાર્કો કીટ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલો પદાર્થ તપાસતા તે ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતું. તેનું વજન કરતા ૩.૯૨૦ કિ.ગ્રા. જેટલું થયું હતું. જેથી એસઓજીએ કિં.રૂા.૩૯,૨૦૦નો ગાંજાનો જથ્થો, ઈલેક્ટ્રીક વજન કાંટો, મોબાઈલ તથા રોકડા રૂા.૨,૪૧૦ મળી કુલ રૂા.૪૨,૨૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  ઝડપાયેલા શખ્સની પુછપરછ કરતા ગાંજાનો જથ્થો તે જંબુસરથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા બે વર્ષથી મગનભાઈ ઉર્ફે ભગત ગાંજાનું છૂટકમાં વેચાણ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સની વધુ તપાસ અર્થે તારાપુર પોલીસ મથકના હવાલે કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *