Food Checking in Vadodara : વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમ દ્વારા આજે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, પેકડ્ ડ્રિંકિંગ વોટર અને કેરીના રસના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં એફએસએસઆઈના નિયમનું પાલન તથા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસણી કરવામાં આવી હતી. આ સાથે કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

 ઉનાળાના કારણે શહેરીજનો ઠંડક આપતી વસ્તુઓની ખરીદી વધુ કરતા હોવાથી અને તેઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ પાલિકાના ફુડ ઇન્સ્પેક્ટરોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ડ્રિંકિંગ વોટર, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું વેચાણ કરતી વિવિધ દુકાનો ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અહીંથી કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા. સાથો સાથ કેરીના રસનું વેચાણ કરતા વિવિધ ફરસાણવાળાઓ તેમજ દુકાનદારોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં કેરીના રસના નમુના લઇ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડોદરા શહેરની એક દુકાનમાં ઠંડા પીણાની બોટલમાં મૃત માખી જોવા મળી હતી. તેના અનુસંધાને પાલિકાના આરોગ્ય વિભાગે આજે ઠંડા પીણા અંગે તપાસ કરી હોવાનું માનવામાં આવે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *