Lok Sabha Elections 2024: ડીએમકે-કોંગ્રેસના મુદ્દા : ભાજપ સામે એકહથ્થુ શાસન ચલાવવાનો આરોપ, ઈલેક્ટોરલ બોન્ડ, સ્થાનિક તમિલ સંસ્કૃતિ પર ખતરો, હિન્દી ભાષા થોપવાનો આરોપ, લઘુમતી અને પછાત વર્ગો માટે ભાજપથી ખતરો છે એવો પ્રચાર, નીટ જેવી એક્ઝામમાં તમિલ સ્ટૂડન્ટ્સ સાથે થતો અન્યાય.

એઆઈએડીએમકેના મુદ્દા : સ્ટાલિનની સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં કરેલા કામના આધારે નિષ્ફળ નીવડી હોવાથી ટીકા, ભાજપના સ્થાનિક નેતાઓ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત નેતાઓનું અપમાન કરતી હોવાનો આરોપ. તમિલ ભાષા-સંસ્કૃતિને બચાવવાનો પડકાર હોવાનો પ્રચાર.

ભાજપના મુદ્દા : સ્ટાલિન પરિવાર સામે ભ્રષ્ટાચારનો આરોપ. સ્થાનિક નેતાગીરી વિકાસમાં નબળી હોવાથી કેન્દ્રીય યોજનાઓના આધારે રાજ્યના વિકાસની ગેરંટી, તમિલ સંસ્કૃતિને ભાજપથી કોઈ ખતરો નથી એ દર્શાવવા સંસ્કૃતિરક્ષકની ઈમેજ બનાવવા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો.

તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. એમાં આ વખતે ત્રિકોણિયો જંગ ખેલાશે. એમ. કે. સ્ટાલિનના ડીએમકે ઈન્ડિયા ગઠબંધનમાં છે. ડીએમકે 39માંથી 22 બેઠકો પર ચૂંટણી લડશે. ગઠબંધનના ભાગરૂપે 9 બેઠકો કોંગ્રેસને મળી છે. સીપીઆઈ(એમ)ને 2, સીપીઆઈને બે, ઈન્ડિયન મુસ્લિમ લીગને એક સહિત 17 બેઠકો ડીએમકેએ સાથીપક્ષોને આપી છે. એઆઈએડીએમકે 34 બેઠકો પર ચૂંટણી લડશે. એઆઈએડીએમકે સાથે સ્થાનિક સ્તરે ચાર પાર્ટીઓનું ગઠબંધન છે. એ પાર્ટીઓ માટે એઆઈએડીએમકેએ પાંચ બેઠકો છોડી દીધી છે. ભાજપે પણ તમિલનાડુમાં સ્થાનિક નવ પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ટિકિટની વહેચણી કરી છે તે પ્રમાણે ભાજપે કુલ 22 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. પીએમકે 1૦ બેઠકો પર લડશે. ટીએમસી(એમ)ને ત્રણ બેઠકો ફાળવાઈ છે. તે સિવાયની જે તે વિસ્તારમાં પ્રભાવ હોય એવી પાર્ટીઓને એક-એક બેઠકો આપવામાં આવી છે. એ રીતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જામશે – ડીએમકેના નેતૃત્વમાં કોંગ્રેસ સહિતના પાર્ટીઓ એક તરફ, એઆઈએડીએમકેની આગેવાનીમાં પાંચ પાર્ટીઓ બીજી તરફ અને ભાજપની દોરવણીમાં 1૦ પાર્ટીઓ ત્રીજી તરફ. મતોના વિભાજન પર તમિલનાડુની આખી રાજરમતનો આધાર રહેશે.

ડીએમકે-કોંગ્રેસ ગઠબંધને 21 સાંસદોને રિપીટ કર્યા

ડીએમકે-કોંગ્રેસ-ડાબેરી ગઠબંધને રાજ્યમાં જોખમ લેવાનું ટાળ્યું છે. અસંતોષ થાય એવા નિર્ણયો લેવાનું ટાળ્યું છે અને 21 સાંસદોને ફરીથી ટિકિટ આપી છે. એમાં કનિમોઝી, એસ. વેંક્ટેસન, એસ. જ્યોતિમણિ, થમીઝાચી જેવા નોંધપાત્ર નેતાઓ સામેલ છે. મુખ્યમંત્રી સ્ટાલિને પાર્ટીમાં આંતરિક અસંતોષ ડામી દીધો છે એટલે 2૦19ના વિજયનું પુનરાવર્તન કરવાની તેમને આશા છે. ડીએમકેએ 1૦ નવા ચહેરાને તક આપી છે ને 12 જૂનાને મેદાનમાં ઉતાર્યા છે. તેનાથી સંતુલન જળવાયું હોવાનો દાવો થયો છે. કોંગ્રેસે નવમાંથી જૂનાને તો રિપીટ કર્યા જ પરંતુ નિવૃત્ત આઈએએસ શશિકાંત સેન્થિલ જેવા સ્વચ્છ ઈમેજ ધરાવતા ઉમેદવારને પણ જંગમાં ઉતાર્યા છે. કાર્તિ ચિદમ્બરમ્ને પણ ટિકિટ આપી છે. સ્થાનિક કોંગ્રેસી નેતાઓ કાર્તિને ફરીથી રિપીટ કરવાના વિરોધમાં હતા. કારણ કે કાર્તિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હોવાથી ભાજપ એ મુદ્દે કોંગ્રેસને ઘેરે છે.

ભાજપની નજર કટોકટી થાય તેવી 1૦ બેઠકો પર

ભાજપે 22 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, પણ જ્યાં ત્રિપાંખિયા જંગના કારણે મતોનું સૌથી વધુ વિભાજન થાય છે એવી 1૦ બેઠકો પર વિશેષ ધ્યાન આપ્યું છે. કોઈમ્બતુરની બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની સીપીઆઈએમના ઉમેદવાર સામે હાર થઈ હતી, પરંતુ બીજા ક્રમે સૌથી વધુ 3.92 લાખ મતો મળ્યા હતા. સીપીઆઈએમના પી. આર. નટરાજનને 5.71 લાખ મતો મળ્યા હતા. ત્યારે એઆઈએડીએમકે ગઠબંધનમાં હોવાથી મતોનું વિભાજન થયું ન હતું. આ વખતે ડીએમકે ઉપરાંત એઆઈએડીએમકે બંને મેદાનમાં છે એટલે ભાજપને આશા છે. ચેન્નાઈ નોર્થ અને સાઉથ બંને બેઠક ડીએમકેને મળી હતી, પરંતુ આ ચૂંટણીમાં ત્રિકોણિયા જંગનો ફાયદો મળી શકે તેમ છે. વેલોરમાં 2૦19માં ડીએમકે, એઆઈએડીએમકે વચ્ચે સીધો જંગ જામેલો. ડીએમકેને માત્ર 8 હજાર મતોથી વિજય મળ્યો હતો. ભાજપ આ વખતે એ બેઠક પર આશાવાદી છે.

મોદીએ નવ સહયોગીઓને ‘નવરત્નો’ ગણાવ્યા

ભાજપે તમિલનાડુમાં પ્રભુત્વ જમાવવા માટે મોટા પક્ષોને બાજુમાં રાખીને નાના-નાના પક્ષોને તેમ જ સ્થાનિક સ્તરે હાર-જીત નક્કી કરી શકતા નેતાઓને સહયોગી બનાવ્યા છે. તમિલનાડુમાં એનડીએ ગઠબંધનમાં ભાજપ ઉપરાંત બીજી નવ પાર્ટીઓ છે. એમાં પીએમકે, ટીએમસીએમ બે મુખ્ય સાથી પાર્ટી છે. ટીએમસીએમે જ 1996માં ડીએમકે-એઆઈએડીએમકે બંનેના ગઢ ધરાશાયી કરી દીધા હતા. ભાજપને આ વખતે પણ એવી જ આશા છે. અન્ય પક્ષોમાં એઆઈએડીએમકેમાંથી જુદા પડેલા પૂર્વ મુખ્યમંત્રી પનિરસેલ્વમનું જૂથ, એએમએમકે, આઈજેકે, પીએનકે, ટીએમએમકેનો સમાવેશ થાય છે. આ બધાને વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં જઈને સભા સંબોધી ત્યારે નવરત્નો ગણાવ્યા હતા. તમિલનાડુમાં ભાજપનો ચૂંટણીરથ આ નવરત્નોના સહારે ચાલશે.

2૦19માં ઘસ્ણ ગઠબંધને 38 બેઠકો મળી હતી

2૦14માં ભાજપે ખાતું ખોલાવ્યું હતું, પરંતુ 2૦19ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકેય બેઠક મળી ન હતી. 39માંથી 38 બેઠકો ડીએમકેના ગઠબંધને કબજે કરી હતી. એમાંથી ડીએમકેને 24, કોંગ્રેસને આઠ, સીપીઆઈને બે, સીપીઆઈએમને બે, વીસીકે અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને એક-એક બેઠકો મળી હતી. એનડીએ ગઠબંધનમાં એઆઈએડીએમકે અને ભાજપ સહિત પાંચ પક્ષોએ સંયુક્ત રીતે ચૂંટણી લડી હતી. એનડીએ ગઠબંધનનો ધબડકો થયો હતો. એકમાત્ર બેઠક એઆઈએડીએમકેને મળી હતી. ભાજપને માત્ર 3.66 ટકા મતો મળ્યા હતા. એનડીએ ગઠબંધને 3૦.57 ટકા મતો અંકે કર્યા હતા, પરંતુ ડીએમકે-કોંગ્રેસના ગઠબંધનને 53.15 ટકા મતો મેળવવામાં સફળતા મળી હતી. એ ચૂંટણીથી ડીએમકેએ સ્થાનિક સ્તરે જોરદાર કમબેક કર્યું હતું અને 2૦21ની વિધાનસભાની ચૂંટણીમાં વિજયનો પાયો નાખ્યો હતો.

DMK-AIADMKનો પાંચ દશકાથી દબદબો

તમિલનાડુમાં છેલ્લાં પાંચ દશકાથી ડીએમકે અને એઆઈએડીએમકેનો દબદબો રહ્યો છે. મુખ્ય સ્પર્ધા આ બંને પક્ષ વચ્ચે જ થતી આવી છે. ડીએમકેનું નેતૃત્વ વર્ષો સુધી કરૂણાનિધિએ કર્યું. તો એઆઈએડીએમકેનું નેતૃત્વ પહેલાં એમ.જી આરે કર્યું ને તેમના નિધન બાદ 1987થી જયલલિતાના હાથમાં આવ્યું. જયલલિતાએ પાર્ટીને વધુ મજબૂત બનાવીને રાજ્યમાં પાર્ટીને નવી ઊંચાઈએ પહોંચાડી. છેલ્લે 1971માં એવો છેલ્લો મોકો હતો જ્યારે તમિલનાડુમાં સ્થાનિક અને રાષ્ટ્રીય પાર્ટી વચ્ચે મુકાબલો થયો હોય. તે વખતે કે. કામરાજના નેતૃત્વમાં ડીએમકે સાથે કોંગ્રેસનો સીધો જંગ હતો. 

1972માં ડીએમકેમાં તીવ્ર મતભેદો સર્જાતા તમિલનાડુ સિનેમાના સુપરસ્ટાર એમજીઆરે એઆઈએડીએમકે નામના નવા પક્ષની સ્થાપના કરી. 1977માં કટોકટી બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો ને એ ચૂંટણીમાં એમજીઆરના નેતૃત્વમાં પાર્ટીને 34 બેઠકો મળી. ડીએમકેને પાંચ બેઠકોમાં વિજય મળ્યો. 198૦માં કરૂણાનિધિએ કમબેક કરીને 37 બેઠકો અંકે કરી. 1987માં એમજીઆરે જબ્બર ટક્કર આપીને લોકસભાની 37 બેઠકો કબજે કરી. એમજીઆરના નિધન બાદ જયલલિતાએ પાર્ટીની કમાન હાથમાં લીધા બાદ 1989માં 38 બેઠકો જીતી લીધી. 1991માં તમામ 39 બેઠકો ફરીથી કબજે કરી. 6૦ ટકા વોટશેર સાથે ડીએમકે સહિતના તમામ વિપક્ષોના સૂપડાં સાફ કરી નાખ્યા. 1999માં ડીએમકેને 26 ને એઆઈએડીએમકેને 13 બેઠકો મળી. 2૦૦4માં ડીએમકેએ તમામ 39 બેઠકો કબજે કરી લીધી.2૦૦9માં 27 બેઠકો ડીએમકેએ લીધી ને 12 બેઠકો જયલલિતાના એઆઈએડીએમકેના ખાતામાં આવી. 2014માં જ્યારે દેશભરમાં મોદીવેવ ચાલતો હતો ત્યારે તમિલનાડુમાં જયલલિતાનું મોજું ચાલતું હતું. તેમણે 37 બેઠકો જીતી લીધી. ભાજપને એક બેઠક મળી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *