ગલવાન હિંસા પછી ભારતે ઉત્તરીય સરહદ પર ધ્યાન કેન્દ્રીત કર્યું

ડ્રેગનના જોખમોનો સામનો કરવા ઉત્તરીય અને પૂર્વીય સરહદો પર ફોકસ માટે ૧ કોર અને ૧૭ કોરની પુનર્રચના કરાઈ

નવી દિલ્હી: પૂર્વીય લદ્દાખમાં વર્ષ ૨૦૨૦માં પેંગોંગ ત્સો સરોવર વિવાદ અને ગલવાન હિંસા પછી ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે હવે ભારતે અહીં ભારતીય સૈન્યની નવી ડિવિઝન તૈનાત કરવાની યોજના બનાવી છે. આ યોજના પર કેન્દ્ર સરકાર લાંબા સમયથી કામ કરી રહી હતી. આ યોજનાને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પરિવર્તનોની કડી તરીકે આ વર્ષથી જ લાગુ કરાશે તેમ સૂત્રોનું કહેવું છે.

સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય સૈન્ય ઉત્તરી કમાન હેઠળ પૂર્વીય લદ્દાખમાં તૈનાતી માટે ૭૨ ડિવિઝનને વધારવા અંગે વિચાર કરી રહ્યું છે. આ ડિવિઝન પશ્ચિમ બંગાળના પાનાગઢ સ્થિત ૧૭ માઉન્ટેન સ્ટ્રાઈક કોર હેઠળ કામ કરે છે. એક ડિવિઝનમાં અંદાજે ૧૪,૦૦૦થી ૧૫,૦૦૦ જવાનો હોય છે. 

સૂત્રો મુજબ પૂર્વીય લદ્દાખમાં નિયુક્તિ માટે જવાનોની નવી ભરતી કરવામાં નહીં આવે, પરંતુ વર્તમાન સંરચનાઓમાંથી જ જવાનોનું પોસ્ટિંગ કરાશે. સ્ટ્રાઈક કોર કોર્પ્સ સરહદ પર આક્રમક રીતે કાર્યવાહીઓ કરે છે. અત્યારે સૈન્ય પાસે ચાર સ્ટ્રાઈક કોર છે, જેમાં મથુરા સ્થિત ૧ કોર, અંબાલા સ્થિત ૨ કોર, ભોપાલ  સ્થિત ૨૧ કોર અને પાનાગઢમાં ૧૭ એમએસસીનો સમાવેશ થાય છે. જોકે, વર્ષ ૨૦૨૧ સુધી માત્ર ૧૭ એમએસસી ચીન પર કેન્દ્રીત હતી. અન્ય ત્રણ કોર્પ્સનું ફોકસ પાકિસ્તાન પર હતું, પરંતુ હવે ભારતે ઉત્તરીય સરહદ પર ફોકસ કરવાની ફરજ પડી છે.

ચીન સાથે વર્ષ ૨૦૨૦માં ગલવાન હિંસા પછી સૈન્ય ઘર્ષણ ફરીથી વધી ગયું છે. આ બાબતને જોતાં ચીન સામેના પડકારોનો સામનો કરવા માટે પર્વતો પર બે સ્ટ્રાઈક કોર રાખવા માટે ૨૦૨૧માં નવી ભરતી કરાઈ હતી. ડ્રેગનના જોખમોના સામના માટે ઉત્તરીય અને પૂર્વીય સરહદો પર ફોકસ કરવા ૧ કોર અને ૧૭ કોરની પુનર્રચના કરાઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું કે બે ઈન્ફન્ટ્રી ડિવિઝનો સાથે ચીનની ઉત્તરીય સરહદો પર નજર રાખવા માટે ૧ કોરની ભૂમિકા વધારાઈ છે. 

બીજીબાજુ, પૂર્વીય થીયેટર પર ધ્યાન આપવા માટે ૧૭ કોરને એક વધારાની ડિવિઝન અપાઈ છે. એટલું જ નહીં, ચીન સાથે સૈન્ય ઘર્ષણના પગલે ૧૭ કોરના જવાનોને પૂર્વીય લદ્દાખમાં પણ તૈનાત કરાયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *