ICC Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અહેવાલો અનુસાર, BCCIએ શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવાની માંગ કરી છે. નોંધનીય છે કે, ભારતીય સરહદ પર આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનની સતત સંડોવણીને કારણે પ્રથમ દ્વિપક્ષીય સિરીઝ બંધ છે. સરહદ પર સમયાંતરે તેના નાપાક ઈરાદાઓ સામે આવે છે, જ્યારે તેના રાજકારણીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ આગ ભડકાવવાની હિંમત કરતા રહે છે.
હજુ શેડ્યૂલ જાહેર થયું નથી
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ હજુ જાહેર થયું નથી પણ એક ટેન્ટેટિવ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ આઈસીસીને તારીખો અને સ્થળ સાથે પ્રસ્તાવિત ફિક્સચરની યાદી મોકલી છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સતત બીજી વખત યુરો કપની ફાઈનલમાં પહોંચ્યું, વોટકિન્સના નિર્ણાયક ગોલે નેધરલેન્ડ્સને 2-1થી હરાવ્યું
8 વર્ષ બાદ આ ટુર્નામેન્ટ યોજાવાની છે
શેડ્યૂલ અનુસાર આઠ ટીમોની આ ટુર્નામેન્ટનું આયોજન ત્રણ સ્થળોએ કરવામાં આવશે, જેમાં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી કરાચી, રાવલપિંડી અને લાહોરમાં મેચો રમાશે. શરૂઆત 19મી ફેબ્રુઆરીએ થશે જ્યારે ફાઈનલ 9મી માર્ચે યોજાવાની છે. 50 ઓવરના ફોર્મેટ સાથેની આઈસીસી આ મોટી ઈવેન્ટ 8 વર્ષ બાદ ફરી યોજાવા જઈ રહી છે.
વન ડે વર્લ્ડકપની ટોચની 8 ટીમ ભાગ લેશે
તેમાં ગત વર્ષની ODI વર્લ્ડ કપની ટોચની આઠ ટીમોનો સમાવેશ થશે. આઠ ટીમોને ચાર-ચારના બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે. યજમાન પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ Aમાં છે, જ્યારે ગ્રુપ Bમાં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.