– 1999નું કારગીલ યુદ્ધ નવાઝના શાસન સમયે થયું હતું

– 74 વર્ષના નવાઝ શરીફે 11મી મેના દિને મળનારી પક્ષની બેઠકમાં ચૂંટી કાઢવા સંભવ : સાડાચાર વર્ષ સ્વૈચ્છિક દેશવટો ભોગવી ઓક્ટો.’૨૩માં પાછા ફર્યા

લાહોર :  ભારત સાથેના કારગીર યુદ્ધના પ્રેરક અને ત્રણ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન પદે આવેલા નવાઝ શરીફ ગત વર્ષના ઓક્ટોબરમાં સ્વદેશ પાછા ફર્યા ત્યારે જ અટકળો વહેતી થઇ હતી કે તેઓ કદાચ ફરી એકવાર વડા પ્રધાન પદ સ્વીકારી લેશે પરંતુ તેમ થયું નહીં, તેઓએ તાજ પોતાના નાનાભાઈ શહબાઝ શરીફને માથે જ મુકાવ્યો, અને પોતે કોઈ સરકારી કે પોતાના પક્ષમાં પણ પદ સંભાળવા તૈયાર ન હતા.

વાસ્તવમાં પનામા પેપર્સ લીક થઇ જતાં તેઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપો મુકાયા હતા. ૨૦૧૭માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેઓને વડાપ્રધાન તરીકે તેમજ પક્ષ પ્રમુખ તરીકે પણ ગેર લાયક ઠરાવતાં તેઓએ બંને પદ છોડી દીધાં હતાં. તે પછી પોતાને થયેલી સજામાંથી છૂટવા તેઓ તબીયતનાં બહાનાં નીચે ઇંગ્લેન્ડમાં દેશવટો ભોગવી રહ્યા હતા.

પછીથી દેશની ફેડરલ કોર્ટે તેઓને નિર્દોષ ઠરાવતાં સ્વદેશ પાછા ફર્યા હતા. અને ઓક્ટોબરથી જ રાજકારણમાં પાછા સક્રિય બન્યા હતા. પોતાનાં પુત્રીને પંજાબનાં મુખ્યમંત્રી બનાવ્યાં. નાના ભાઈને (શહબાઝ)ને વડાપ્રધાન બનાવ્યા.

લાહોરમાં મળેલી પી.એલ.એલ.એન.ની બેઠકમાં પંજાબના પક્ષ પ્રમુખ રાણા સનાનુલ્લાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવાઝ શરીફને ફરી પક્ષ પ્રમુખ બનાવવાનો નિર્ણય પક્ષની શુક્રવારે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેઓ ચીનની પાંચ દિવસની મુલાકાતે છે. ત્યાંથી પરત આવતાં તેઓને પક્ષનું પ્રમુખપદ સંભાળવા વિનંતિ કરવામાં આવશે.

એવું પણ કહેવાય છે કે નવાઝ શરીફને પાકિસ્તાનમાં લશ્કરનો પૂરેપૂરો ટેકો છે. તે સર્વવિદિત છે કે જેને પાકિસ્તાનમાં લશ્કરનો ટેકો નથી હોતો તે ઉચ્ચ સ્થાને બેસી જ શકે નહીં, બેસે તો ટકી શકે નહીં. સંભવ તે પણ છે કે કદાચ તેઓ નાના ભાઈને નાયબ વડાપ્રધાન બનાવી પોતે જ વડાપ્રધાન બને. જો કે અત્યારે જ તેમનાં કહેવા પ્રમાણે શહબાજ ચાલે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *