અમદાવાદ,સોમવાર
રખિયાલમાં સંયુક્ત પરિવારમાં રહેતા એક જ પરિવારના લોકો વચ્ચે વીજ કનેકશન નાંખવા બાબતે તકરાર થઇ હતી જેમાં માંતા અને પુત્ર ઉપર લોખંડની પાઇપ અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે રખિયાલ પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાના દિયર સહિત પાંચ લોકોએ હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો
આ કેસની વિગત એવી છે કે રખિયાલ વિસ્તારમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પોતાના દિયર સહિત પરિવારના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે દિયર પોતાનું વીજ મીટર નવું નાખવાની કામગીરી કરતા હતા જેથી વિજ કનેકશન બંધ કરી દીધું હતું. બીજી તરફ મહિલાના દિકરા નાઇટ કરીને આવ્યા હોવાથી કાળઝાળ ગરમીના કારણે વીજ કનેકશન બંધ નહી કરવાની વાત કરી હતી.
જેથી આ મુદ્દે તકરાર થઇ હતી જેમાં દિયર અને દેરાણી સહિત પરિવારના સભ્યોએ મહિલા અને તેમના પુત્ર ઉપર કપડાં ધોવાના ધોકા અને પાઇપથી હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.