Ganesh idol Jamnagar : જામનગર શહેરમાં પણ આવતીકાલથી ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને અનેક ગણેશ ભક્તો દ્વારા પોતાના રહેઠાણ, શેરી, ચોક, ગલી, એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના પાર્કિંગ વગેરેમાં નાની-મોટી ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, ત્યારે આજે શહેરના લાલપુર રોડ તેમજ સમર્પણ હોસ્પિટલ રોડ પરની મૂર્તિના વિક્રેતાઓને ત્યાં મૂર્તિની ખરીદી કરવા માટે ગણેશભક્તો કતાર બંધ જોવા મળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પણ જામનગર શહેરના વિક્રેતાઓને માત્ર માટીમાંથી બનાવેલી જ મૂર્તિઓનું વેચાણ કરવા માટેનો આગ્રહ રખાયો છે, અને તે અંગેની જરૂરી સુચનાઓ આપવામાં આવી રહી છે.
દરમિયાન આજે જામનગરના લાલપુર રોડ પર 30 થી વધુ ગણપતિની મૂર્તિના વિક્રતાઓ દ્વારા મંડપ, સામીયાણા ઊભા કરીને વેચાણ કેન્દ્ર શરૂ કરાય છે, ત્યારે એસ્ટેટ શાખાના અધિકારીની રાહબરી હેઠળનો સ્ટાફ આજે તમામ મૂર્તિઓના વિક્રેતાઓને માત્ર માટીમાંથી જ બનાવેલી ગણપતિની મૂર્તિનું વેચાણ કરવા માટેનો આગ્રહ રાખ્યો હતો, અને સરકારની ગાઇડલાઇનને અનુસરીને પીઓપીની મૂર્તિ નહીં વેચવા સંબંધે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રણજીતસાગર રોડ ઉપરાંત સમર્પણ હોસ્પિટલ રોડ ઉપર પણ ગણપતિની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું હોવાથી તે તમામ સ્થળે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.