અમદાવાદ,ગુરૂવાર
શહેરના પાલડીમાં રહેતા અને લોંખડનો વ્યવસાય કરતા વેપારી સી જી
રોડ પરના આંગડિયા પેઢીમાંથી રૂપિયા ૧૫ લાખની રોકડ લઇને બુધવારે સાંજના સમયે ઘરે જઇ
રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા ચાર લોકોએ તેમને રસ્તામાં રોકીને વાહન કેમ બરાબર
ચલાવતા નથી? તેમ કહીને
રૂપિયા ૧૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
છે. પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલા દેવ સ્ટેટસ એપાર્ટમેન્ટમાં રહેતા
૫૫ વર્ષીય અરૂણભાઇ શાહ ઇન્કમ ટેક્ષ જુની હાઇકોર્ટ પાસેના કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવીને
લોંખડનો લે-વેચનો વ્યવસાય કરે છે. બુધવારે મહાવીર જંયતિને કારણે તેમની ઓફિસ બંધ હતી.
ત્યારે હિંમતનગરના તેમના ગ્રાહક જંયતિભાઇએ
લોખંડના સળિયા અને ગડરની જરૂરિયાત હોવાથી એડવાન્સમાં નાણાં મોકલવાનું કહી બીજા
દિવસે માલની ડીલેવરી કરવાનું કહ્યું હતું. જેથી અરૂણભાઇએ હા કહેતા તેમણે સી જી રોડ ઇસ્કોન મોલમાં આવેલી એચ એમ આંગડિયા પેઢીમાં
૧૫ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.
જેથી બુધવારે સાંજના સમયે અરૂણભાઇ આંગડિયા પેઢીથી રોકડ
લઇને સ્કૂટરની ડેકીમાંથી મુકીને ઘરે જતા હતા. પાલડી જૈનનગર રોડ પર પહોંચ્યા ત્યારે
એક બાઇક પર આવેલા બે યુવકો તેમને રોકીને કહ્યું હતું કે સ્કૂટર ચલાવતા નથી આવડતું? તેમ કહીને તકરાર કરીને
ચાવી આંચકીને ડેકીમાંથી રૂપિયા ૧૫ લાખની રોકડ ભરેલો થેલો આંચકીને હિરાબાગ ક્રોસીંગ
તરફ નાસી ગયા હતા. આ અંગે પાલડી પોલીસે સીસીટીવી
ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. આરોપીઓ આંગડિયા પેઢીથી જ અરૂણભાઇનો પીછો કરતા હોવાનું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.