જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં રહેતા એક યુવાનને તમારા પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહી ડરાવ્યા પછી બે શખ્સે પોતાની ઓળખ સીબીઆઈ તથા પોલીસ કર્મચારી તરીકે આપી 10 મહિના પહેલા રૂપિયા 13 લાખ એક બેન્ક ખાતામાં જમા કરાવી લીધા પછી મોબાઈલ ફોન બંધ કરી દીધાની સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આ ફરિયાદ બાદ 3 શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું હોવાનું કહી આરોપીએ ઠગાઈ આચરી

જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ સુરતના મેહુલ રમાકાંત પંજી નામના પ્રૌઢને ગત વર્ષ માર્ચ મહિનાની 23 તારીખે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મોબાઈલના સામા છેડે રહેલા શખ્સે પોતાની ઓળખ કુરિયર સર્વિસના માણસ તરીકે આપી તમારૂ પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યા પછી અન્ય શખ્સે તમારા પાર્સલમાં ડ્રગ્સ, લેપટોપ, ક્રેડીટ કાર્ડ, પાસપોર્ટ, કપડા સહિતનો સામાન નીકળ્યો છે તેમ જણાવ્યું હતું. આ શખ્સે પોતાની ઓળખ આપવા માટે વોટ્સએપમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચનો બનાવટી લેટર મોકલવા ઉપરાંત પોતાની ઓળખ સીબીઆઈના કર્મચારી તરીકેની આપી મેહુલભાઈને ડરાવ્યા હતા અને જો તમારી સામે ડ્રગ્સનો ગુન્હો નોંધાશે તો તમને આજીવન કેદની સજા થઈ શકે છે તેમ કહી ધમકાવ્યા પછી જાળ પાથરી હતી.

સાયબર પોલીસે રાજકોટના 3 શખ્સોની કરી ધરપકડ

તે જાળમાં ફસાઈ ગયેલા મેહુલભાઈ પાસેથી આ કેસમાંથી નામ કઢાવી નાખવા માટે ખર્ચ થશે તેમ કહી એક બેંક ખાતામાં રૂપિયા 13 લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ રકમ તેમના સામાનની ખરાઈ પછી ખાતામાં પરત જમા થશે તેવી વાત કર્યા પછી આ શખ્સોએ પૈસા મેળવી લઈ મોબાઈલ બંધ કરી દીધા હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા મેહુલભાઈને આખરે છેતરાયાનો અહેસાસ થતાં તેઓએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ જામનગર સાયબર પોલીસ હરકતમાં આવ્યું હતું. જેમાં સાયબર પોલીસે તેનું ટેક્નિકલ એનાલિસીસની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને રાજકોટના 3 શખ્સોની ધરપકડ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *