Image: Facebook
IPL 2024: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે હજુ થોડા વર્ષ રમવા માગે છે અને તેને 2027 વનડે વર્લ્ડ કપ જીતવાની ઈચ્છા છે. રોહિતની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચી પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ. 36 વર્ષીય રોહિત 2007 ટી20 વર્લ્ડ કપ ટીમ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો પરંતુ તે વનડે વર્લ્ડ કપને તેનાથી ઉપર રાખે છે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં મળેલી હારથી તે ખૂબ વ્યથિત હતો.
રોહિત શર્માએ આ ઈચ્છા વ્યક્ત કરી
રોહિત શર્માએ કહ્યું, ‘મે સંન્યાસ વિશે હજુ વિચાર્યું નથી પરંતુ ખબર નહીં જીંદગી ક્યાં લઈ જાય. હું અત્યારે સારું રમી રહ્યો છું અને હજુ થોડા વર્ષ રમવા ઈચ્છું છું. હું વર્લ્ડ કપ જીતવા ઈચ્છું છું’. તેણે કહ્યું, ’50 ઓવરનો વર્લ્ડ કપ જ અસલી વર્લ્ડ કપ છે. અમે તેને જોઈને જ મોટા થયા છીએ. લોડર્સ પર 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ થવાની છે. આશા છેકે અમે તેમાં રમીશું’. વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારને છ મહિના વીતી ગયા છે પરંતુ રોહિતને હજુ પણ તે હાર ખટકે છે.
રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં મળેલી હાર પર પણ નિવેદન આપ્યું. તેણે કહ્યું, ‘વર્લ્ડ કપ ભારતમાં થઈ રહ્યો હતો. અમે ફાઈનલ સુધી સારું રમ્યા. સેમિફાઈનલ જીત્યા બાદ લાગ્યુ કે હવે બસ એક પગલુ દૂર છીએ. મે વિચાર્યું કે એવી કઈ એક વાત છે જેના કારણે અમે ફાઈનલ હારી ગયા અને મારા મગજમાં કંઈ આવ્યું નહીં’. તેણે આગળ કહ્યું, અમારા અભિયાનમાં એક ખરાબ દિવસ આવ્યો હતો અને તે જ દિવસ હતો. અમે સારી ક્રિકેટ રમી, આત્મવિશ્વાસ પણ હતો, પરંતુ એક ખરાબ દિવસ અમારો હતો અને ઓસ્ટ્રેલિયાનો સારો દિવસ હતો. અમે ફાઈનલમાં ખરાબ ક્રિકેટ રમી નહોતી’.
IPL અંગે પણ આપ્યું નિવેદન
IPL માં 2008થી લઈને અત્યાર સુધીમાં તમામ સીઝન રમનાર રોહિતે કહ્યું કે લીગમાં કોઈ પણ ટીમ હવે કમજોર નથી. IPL ગત એક દાયકામાં એટલી મોટી થઈ ગઈ છે કે દરેક ટીમ ખૂબ પ્રતિસ્પર્ધી છે. હવે કોઈ કમજોર ટીમ નથી. આ આઈપીએલ ફર્સ્ટ ક્લાસ જેવી છે, જેમાં કોઈ પણ ટીમ ગમે તે ટીમને હરાવી શકે છે, પરંતુ શરૂઆતમાં આવુ નહોતું. હવે એટલી તકનીક સામેલ છે કે લોકોને ખબર છે કે કઈ ઉણપ પૂરી કરવાની છે.