Image Source: Twitter
Glenn Maxwell has taken an indefinite break from IPL 2024: સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL 2024ની પોતાની ટીમ RCBનો સાથ છોડી દીધો છે. IPL 2024માં આ વર્ષે પણ RCBનું પ્રદર્શન સારું નથી રહ્યું ત્યારે IPLની આ સિઝનમાં સતત ફ્લોપ રહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે અચાનક બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. મેક્સવેલ IPLની આ સિઝનમાં સતત ફ્લોપ સાબિત થતો રહ્યો છે. તેને મુંબઈની સામેની મેચમાં ઈજા પણ પહોંચી હતી પરંતુ હવે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે જણાવ્યું કે, તે માનસિક અને શારીરિક થાકના કારણે તે અનિશ્ચિત કાળ માટે IPL 2024માંથી બહાર થઈ રહ્યો છે. જોકે, તેણે કહ્યું કે, જો તે ઝડપથી માનસિક અને શારીરિક થાકમાંથી બહાર આવી જશે તો IPL 2024ની બાકીની મેચ માટે ટીમમાં પરત ફરી શકે છે.
ગ્લેન મેક્સવેલે બ્રેક લેવાનો લીધો નિર્ણય
ગ્લેન મેક્સવેલે માનસિક અને શારીરિક થાકને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. જ્યારે ટી20 કેપ્ટન મિચેલ માર્શ હેમસ્ટ્રિંગની ઈજા બાદ ઓસ્ટ્રેલિયામાં છે અને બોર્ડની મેડિકલ ટીમ તેની ઈજા પર દેખરેખ કરી રહી છે. RCBની વાત કરીએ તો IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટીમ છેલ્લા સ્થાને છે. RCBએ સાતમાંથી માત્ર એક મેચ જીતી છે.
ગ્લેન મેક્સવેલે પોતાની શારીરિક અને માનસિક સ્થિતિનો હવાલો આપી કેપ્ટન તથા મેનેજમેન્ટને બ્રેક માટે વિનંતી કરી હતી. મેક્સવેલે કહ્યું કે તેણે ખુદ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો કારણ કે તે ટીમ માટે યોગદાન નહોતો આપી શક્યો. તેણે કહ્યું કે પ્રારંભિક કેટલીક મેચો વ્યક્તિગત રીતે મારી અપેક્ષા પ્રમાણેની નહોતી, તેથી મેં બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. મારા માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહોતો. મેં છેલ્લી મેચ બાદ કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ અને કોચ સાથે આ મુદ્દે વાત કરી હતી.
ટીમના પ્રદર્શનને જોતા આ નિર્ણય લેવો સરળ
મેક્સવેલે આગળ કહ્યું કે, ટીમના પ્રદર્શનને જોતા આ નિર્ણય લેવો સરળ હતો. અમારી ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી રહી. તે આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે. આ ઉપરાંત અંગત રીતે પણ હું સતત ફ્લોપ રહ્યો હતો. તેથી મને લાગ્યું કે હું સકારાત્મક રીતે પોતાનું યોગદાન નહોતો આપી રહ્યો અને મને એવું લાગ્યું કે, જે સ્થિતિમાં અમે પોતાની ટીમને પોઈન્ટ ટેબલ પર જોઈ રહ્યા છે તે સ્થિતિમાં હવે કોઈક બીજા ખેલાડીને તક આપવી જોઈએ જેથી સારું પ્રદર્શન કરી શકાય.