Dipendra Singh Airee: નેપાળના વિસ્ફોટક બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ શનિવારે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કતાર સામે ACC મેન્સ T20 ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગ (ACC Men’s T20 International Premier League) કપમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. T20 ઇન્ટરનેશનલમાં આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટ ઈન્ડિઝના પોલાર્ડે આ કર્યું હતું.
અગાઉ યુવરાજ સિંહ T-20 વર્લ્ડ કપમાં છ છગ્ગા ફટકાર્યા હતા
અગાઉ યુવરાજ સિંહે વર્ષ 2007ના T-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના ફાસ્ટર બ્રોડની એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. વિન્ડિઝના પોલાર્ડે પ્રવાસી શ્રીલંકા સામેની સીરિઝની પ્રથમ T-20માં અકિલા દનંજયાની ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. વન ડે ક્રિકેટમાં સાઉથ આફ્રિકાના હર્ષલ ગીબ્સ અને અમેરિકાના જાસ્કરન મલ્હોત્રાએ આવી સિદ્ધિ મેળવી હતી.
દીપેન્દ્ર સિંહે યુવરાજનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો હતો
દીપેન્દ્રએ 21 બોલમાં 7 છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 64 રન ફટકાર્યા હતા. નેપાળે આ સાથે 20 ઓવરમાં 7 વિકેટે 210 રન ફટકાર્યા હતા. ક્તરની ટીમ 9 વિકેટે 178 રન કરી શકી હતી અને 32 રનથી હારી ગઈ હતી. યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી ફટકારીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ફટકારવાનો વિક્રમ બનાવ્યો હતો, જો કે દીપેન્દ્રએ જ ગયા વર્ષે 19મી એશિયન ગેમ્સ દરમિયાન મંગોલિયા સામે 9 બોલમાં ફિફ્ટી ફટકારીને યુવીનો આ રેકોર્ડ તોડ્યો હતો.