અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં એક સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી
પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખથી વધુની કિંમતના 6 પલ્સર બાઈક અને 1 ડીલક્ષ બાઈક કબજે કર્યા
યુવતીઓને આકર્ષિત કરવા બાઈક ચોરી થતી હોવાનું સામે આવ્યું

અમદાવાદ પોલીસે એક એવી બાઈક ચોર ગેંગને પકડી પાડી છે કે જે ફક્ત સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરતી હતી અને તેમાં પણ સૌથી વધુ પલ્સર બાઈકની ચોરી કરવામાં આવતી હતી. જોકે પોલીસને અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક બાઈક ચોરીની ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ કરતા આ વિસ્તારમાં અનેક સ્પોર્ટ્સ બાઈકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીઓને આકર્ષિત કરવા બાઈક ચોરી થતી હોવાનું સામે આવ્યું છે.

વસ્ત્રાપુરના આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી સ્પોર્ટસ બાઈકની ચોરીઓ થતી હતી

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં એક સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે એલસીબી ઝોન 1ની ટીમ દ્વારા વધુ તપાસ કરતા સામે આવ્યું કે વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા થોડા સમયમાં સ્પોર્ટ્સ બાઈકની ચોરીઓ વધુ પ્રમાણમાં થઈ રહી છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ કરતા પોલીસે કપિલ અહારી અને રમેશ ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે.

સ્પોર્ટસ બાઈક ચોરતી ગેંગનો વધુ એક સભ્ય હાલ ફરાર

આ બંને આરોપીઓ વસ્ત્રાપુર અને આસપાસના વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા હતા. પોલીસે બંને પાસેથી મળી ચાર લાખથી વધુની કિંમતના છ પલ્સર બાઈક અને એક ડીલક્ષ બાઈક કબજે કર્યા છે અને આ સ્પોર્ટસ બાઈક ચોરતી ગેંગનો વધુ એક સભ્ય હાલ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને મૂળ રાજસ્થાનના રહેવાસીઓ છે.

મોજશોખ માટે સ્પોર્ટસ બાઈકની ચોરીઓ કરતા

જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ સ્પોર્ટ્સ બાઈક ચલાવવામાં આવતા હોય છે અને આ બંને આરોપીઓ જ્યારે પોતાના ગામ જાય છે, ત્યારે આ સ્પોર્ટ બાઈક લઈ જતા હોય છે અને ત્યાં પોતાના સમાજમાં અને વિસ્તારમાં રોફ જમાવવા તેમજ તેના મોજશોખ માટે સ્પોર્ટસ બાઈકની ચોરીઓ કરે છે તો વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં યુવતીઓને આકર્ષવા માટે પણ તેઓ સ્પોર્ટસ બાઈક લઈને જતા હતા.

બાઈક ચોરીના નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો

પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી અલગ અલગ છ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ મથકમાં સ્પોર્ટ્સ બાઈક ચોરીના નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જ્યારે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ મથકમાં પણ એક બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ચોર ટોળકીએ અન્ય કોઈ વિસ્તારમાંથી વધુ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અને આ ટોળકીમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *