આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ઢીલી નીતિને લઈ ગુનેગારો બેફામ બન્યા છે અને સરકારી કર્મચારીઓ પર હુમલાના બનાવોમાં વધારો થયો છે. ખંભાતમાં પોલીસકર્મી પર હુમલો કરાયો હતો અને પોલીસ કર્મીને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ આણંદમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરી પાલિકા કર્મીને માર માર્યો હતો અને હવે ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો કરાયો છે.
પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
આણંદના ઉમરેઠમાં પાલિકા હસ્તકની જગ્યામાં મંજુરી વિના ગેરકાયેદસર રીતે લગાવવામાં આવેલા હોર્ડીંગ્સ ઉતારવા ગયેલી નગરપાલિકાની ટીમ પર માથાભારે શખ્સોએ હુમલો કરી તેમજ ચીફ ઓફિસરને થપ્પડ ઝીંકી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરનાર પાંચ આરોપીઓ વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાલિકાના વાલ્મિક કર્મચારીઓનું જાતીય અપમાન કર્યું
ઉમરેઠ શહેરમાં જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં તેમજ બસ સ્ટેન્ડ સામે ભગવત દલાલ ગેટ પાસે બાગે સિરાજ રેસીડેન્સી સાઈટની જાહેરાતના બોર્ડ પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના લગાવવામાં આવ્યા હોઈ નગરપાલિકાની દબાણ શાખાના કલાર્ક નિતિન પટેલ પાલિકાના કર્મચારીઓની ટીમ સાથે ગેરકાયદેસર લગાવેલા જાહેરાતના હોર્ડીંગ્સ ઉતારવા ગયા હતા, ત્યારે જાઈદ અમદાવાદી સહિત પાંચ જણે હોર્ડીંગ્સ હટાવવા બાબતે પાલિકાની ટીમ સાથે ઝઘડો કર્યો હતો અને પાલિકાના વાલ્મિક કર્મચારીઓનું જાતીય અપમાન કર્યું હતું અને પાલિકા કર્મચારીઓને માર માર્યો હતો.
માથાભારે શખ્સોએ ચીફ ઓફિસરને થપ્પડો ઝીંકી દીધી
જેથી કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગેરકાયદેસર રીતે મંજુરી વિના લગાવવામાં આવેલું જાહેરાતનું હોર્ડીંગ્સ હટાવી લેવા માટે પાંચેય શખ્સોને સમજાવ્યા હતા. ત્યારે પાંચેય માથાભારે શખ્સોએ બોર્ડ ઉતારીશુ પણ નહીં અને ઉતારવા દઈશું પણ નહીં તેમ કહી દાદાગીરી કરી હતી. તેમજ તમારાથી થાય તે કરી લો તેમજ ચીફ ઓફિસર સાથે ઝઘડો કરી જાઈદ અમદાવાદીએ ચીફ ઓફિસરને થપ્પડો ઝીંકી દીધી હતી. તેમજ નિતિન પટેલને પકડીને ત્રણ ચાર લાફા માર્યા હતા અને હોર્ડીંગ્સ ઉતારશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
પોલીસે 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો
આ બનાવ અંગે ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ ઉમરેઠ પોલીસ મથકે જાઈદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી, મુસ્તાક મહેમુદમીયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો), તોફિક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ (ઢુણાદરાવાળો) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓની વિરૂદ્ધ ગુનો નોંધી મુખ્ય આરોપી જાઈદ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદીને ઝડપી પાડી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.