અમદાવાદના કૃષ્ણનગરમાં બાળકી સાથે છેડતીની ઘટના આવી સામે
11 વર્ષની બાળકી સાથે આધેડે કર્યા અડપલા
બાળકીએ પરિવારને જાણ કરતા નોંધાયો ગુનો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બાળકી સાથે છેડતીની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે 59 વર્ષના આધેડે અડપલા કરી છેડતી કરી હતી. એ બાબતે બાળકીએ માતા પિતાને જાણ કરતા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

 નરાધમે એકલતાનો લાભ લઈ બાળકીને પકડીને શારીરિક ચેનચાળા કર્યા

કૃષ્ણનગર પોલીસે હાલમાં આ નરાધમને કસ્ટડી રાખ્યો છે. એક માસુમ બાળકી સાથે શારીરિક હડપલા કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એક સોસાયટીમાં રહેતી 11 વર્ષની બાળકી ગત 5 જુલાઈ 2024ના રોજ પોતાના ટ્યુશનમાંથી છૂટીને ઘરે આવતી હતી. સોસાયટીના નાકે સાંજે 7:00 વાગ્યાની આસપાસ બાળકીની સોસાયટીમાં જ રહેતા આ નરાધમે એકલતાનો લાભ લઈ તેને પકડીને શારીરિક ચેનચાળા કર્યા હતા. જોકે બાળકી એ ઘરે જઈને માતા પિતાને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. પરંતુ પ્રાથમિક રીતે માતા-પિતાને આરોપી પર આ પ્રકારના કૃત્યની શંકા ન હોય તેઓએ ફરિયાદ કરી ન હતી.

સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ઘટનાને થોડા દિવસ બાદ બાળકીના માસી 13 જુલાઈએ રાત્રિના સમયે તેઓના ઘરે આવ્યા હતા અને બાળકીના માતા-પિતાએ તેઓને આ બનાવ અંગે જાણ કરી હતી. જે પછી બાળકીના માતા પિતા અને માસી આરોપીના ઘરે જઈ આ બાબતને લઈને કહેવા ગયા હતા. જ્યાં આરોપીએ પોતાને બદનામ કરો છો તેવું કહીને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી અંતે આ સમગ્ર મામલે અંતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પોક્સોનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી

કૃષ્ણનગર પોલીસે આ મામલે પોક્સોનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક તપાસમાં તે વેપાર કરતો હોય તેવું સામે આવ્યું હતું. જોકે આ સમગ્ર બનાવ જે સંજોગોમાં બન્યો તેને લઈને આરોપીની વધુ તપાસને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીએ આ બાળકી સિવાય પણ અન્ય કોઈ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તેને લઈને વધુ તપાસ કૃષ્ણનગર પોલીસે હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *