કચ્છના તત્કાલીન નાયબ કલેક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
જે.ડી.જોશીએ સરકારી તિજોરીને રૂપિયા 78.67 લાખનું નુકસાન કર્યું
સરકારને આર્થિક નુકશાન પહોચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ
કચ્છના તત્કાલીન નાયબ કલેક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં જે.ડી.જોશીએ સરકારી તિજોરીને રૂપિયા 78.67 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ છે. તેમાં ભુજ ગ્રામ્ય મામલતદારે એ.ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દોઢ દાયકા બાદ નાયબ કલેકટર સામે કાર્યવાહી કરાઇ છે. તેમાં ચાર અરજદારોને લાખોનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ છે.
સરકારને આર્થિક નુકસાન પહોચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ
સરકારને આર્થિક નુકસાન પહોચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. તાજેતરમાં 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના ભૂતપૂર્વ અને છેલ્લે વલસાડના આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. એ પહેલાં ગાંધીનગરના ભુતપુર્વ કલેકટર એસ. કે. લાંગાના અબજોના કૌભાંડો બહાર આવતાં તેમની ધરપકડ કરાઈ છે. આ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ભાજપ સરકારની ઈમેજ બગડી હોવાથી સરકારની ઈમેજ સુધારવા ઓપરેશન ક્લીન હાથ કરીને ભ્રષ્ટ્રાચારીઓને ઘરે બેસાડવાની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકારે નર્મદા અને સહકાર વિભાગના બે અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરીને શરૂઆત કરી
રાજ્ય સરકારે નર્મદા અને સહકાર વિભાગના બે અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરીને શરૂઆત કરી હતી. એ પછી ગયા અઠવાડિયે આ દિશામાં મહત્વનું પગલું ભરીને છ અધિકારીને ઘરે બેસાડી દીધા હતા. રાજ્ય સરકારે પહેલાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ત્રણ ઉચ્ચાધિકારીને ફરજિયાત નિવૃત્ત કર્યા પછી ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશ આપીને ઘરે બેસાડી દીધા છે. રાજ્ય સરકારે, 5 જુલાઈએ રાજ્યના નાણાં વિભાગના નાયબ રાજ્ય વેરા ‘કમિશનર વર્ગ 1 ના બે અધિકારીઓ ડી.પી.નેતા અને એસ.એચ.ગાંધીને તેમની સેવાઓમાંથી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા હતા. એ પછી ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસના ઉચ્ચાધિકારી એસ.જે. પંડયાને પણ તાત્કાલિક અસરથી રાજીનામું અપાવડાવીને વહેલા નિવૃત્ત કરી દીધા છે.
તમામ અધિકારીને છેલ્લા પગાર પ્રમાણે ત્રણ મહિનાનો પગાર આપીને રવાના કરી દેવાયા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપીને એફએમ કુરેશી, ડી.ડી. ચાવડા અને આર.આર.બંસલ એ ત્રણ પીઆઈને ફરજિયાત નિવૃત જાહેર કરી દીધા છે. આ પૈકી દેવન ધનાભાઈ ચાવડા ઉર્ફે ડી.ડી.ચાવડા અને રાજેશકુમાર રામકુમાર બંસલ ઉર્ફે આર.આર.ભેંસલ અમદાવાદ ખાતે નાગરિક સંરક્ષણ દળમાં ફરજ બજાવતા હતા જ્યારે ફારૂક મુહમ્મદ મધરૂફ અહમદ કુરેશ ઉઠે એફ.એમ.કુરેશી રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જુથ 08માં હથિયારધારી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા. આ તમામ અધિકારીને છેલ્લા પગાર પ્રમાણે ત્રણ મહિનાનો પગાર આપીને રવાના કરી દેવાયા છે.