અમદાવાદ,શુક્રવાર
પૂર્વમાં પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં વ્યસ્ત છે અને આસાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરીને હત્યા કરી રહ્યા છે. નરોડામાં ગઇકાલે કલાકમાં જ બે યુવકની હત્યા થઇ હતી. જેમાં નરોડા દવા લેવા ગયેલા યુવક સાથે તકરાર કરીને રિક્ષા ચાલકે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી તેમજ કૃષ્ણનગરમાં બે ભાઇ વચ્ચે ધંધાની હરીફાઇમાં ચાર લોકોએ સાથે મળીને પિતરાઇ ભાઇને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં પિતા પુત્ર ઘાયલ થયા હતા. આ બન્ને બંને બનાવોમાં નરોડા અને કૃષ્ણનગર પોલીસે કુલ પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા પાટિયા પાસે દવા લેવા ગયેલા યુવક સાથે તકરાર કરી રિક્ષા ચાલકે હત્યા કરી ઃ કૃષ્ણનગરમાં ધંધાની હરિફાઇમાં સગાભાઇના બે પરિવારજનો વચ્ચે મારા મારીમાં યુવકની હત્યા
કૃષ્ણનગરમાં રહેતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઇ કાર ડ્રાઇવિંગ કરે છે. તેઓ તા. ૪ જુલાઇએ પુત્રીની દવા લેવા ગયા હતા. પરંતુ મોડી રાત સુધી પરત આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ તેમને ફોન કરતા તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાં તપાસ કરતા તેમના ભાઇને નરોડા પાટીયા પાસે રીક્ષા ચાલક સાથે સામાન્ય બાબતમાં તકરાર થઇ હતી. જેથી રીક્ષા ચાલકે ચાકુથી છાતીના ભાગે બે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં કૃષ્ણનગરમાં રહેતા કાપડનું કારખાનું ધરાવી ધંધો કરતા આકાશ યાદવ (ઉ.વ.૨૭)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સંજયભાઇ યાદવ અને ધર્મપાલ યાદવ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના કાકા ધર્મપાલ કાપડનો ધંધો કરે છે. જેમાં બંને પરિવારો વચ્ચે છેલ્લા બે વર્ષથી ધંધાની હરિફાઇને લઇને માથા કૂટ ચાલતી હતી. જેમાં ગઇકાલે રાત્રે ચારેય જણા ફરિયાદીના મોટાભાઇના ઘર પાસે આવ્યા હતા અને ઘરની બહાર ઉભા રહીને ગાળો બોલીને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા. જેથી વિકાસે તોડફોડ કેમ કરો છો તેવું કહેતા જ તેને ચાકુના ઘા માર્યા હતા પરંતું ચાકુ નહી વાગતા ધક્કો મારીને નીચે પાડી દઈને આરોપીઓએ છાતીમાં ચાકુના બે ઘા મારી દીધા હતા, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ સમયે પરિવારના અન્ય લોકો વચ્ચે પડતા ચારેય લોકોએ તેમના પરિવારના સભ્યોને ચાકુના ઘા માર્યા હતા અને લોખંડની પાઈપના ફટકા માથામાં મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.