Surat Corporation : સુરત મહાનગરપાલિકાને ઉંબેર ખાતે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ માટે જગ્યાની ફાળવણી કર્યા બાદ હવે આ જગ્યાની ફાળવણી રદ કરવા માટેની માંગણી ગામ લોકોએ કરી હતી. ત્યારે પશુપાલન અને ખેતી ઉદ્યોગને નુકસાનની આશંકા વ્યક્ત થઈ હતી, તે સામાન્ય વરસાદમાં જ સાચી સાબિત થઈ ગઈ છે. સામાન્ય ગણાતા વરસાદમાં જ ઉંબેરનો જુનો ખાડી પુલ પાણીમાં ગરક થઈ ગયો છે અને ખેતરો તળાવ બની ગયાં છે. આ જગ્યાએ હવે પાલિકા સાઈટ બનાવે અને વધુ વરસાદ આવે તો હાલત કેવી હશે તેનાથી હવે ગામ લોકો ફફડી રહ્યાં છે.
જોકે ડાયમંડ બુર્સના કારણે બુર્સની બાજુમાં આવેલી ડિસ્પોઝલ સાઈટને ખસેડી ઉંબેર લઈ જવાનો નિર્ણય કર્યો છે. સુરત પાલિકાને ઉંબેરની જગ્યા ફાળવવામાં આવી છે અને આ જગ્યાએ ડિસ્પોઝલ સાઈટ શરૂ થાય તે માટેની કામગીરી માટે આયોજન થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ આ જગ્યાની ફાળવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા તંત્ર અને શાસકોએ લોકોના વિરોધ અવગણીને ઉંબેર ખાતે કચરાની સાઈટ લઈ જવા માટેનો નિર્ણય કર્યો હતો. પાલિકાના નિર્ણય બાદ ઉંબેર, તલંગપુર, કનસાડ અને પાલી-સચિન વિસ્તારના લોકોની ડિસ્પોઝલ પ્લાન્ટ હટાવવા માટે સંર્ઘષ સમિતિ દ્વારા પાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં લખવામા આવ્યું હતું કે, ચોર્યાસી તાલુકાના દરિયાકાંઠાના ગામોની કિનારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન જાહેર કરાયું છે. CRZ જાહેરનામાં 2019 ની જોગવાઈ અનુસાર CRZ વિસ્તાર અથવા NDZ માં લેન્ડફિલ સેલ સાથે કોઈપણ પ્રકારની મ્યુનિસિપલ ઘન કચરાના નિકાલ કે સારવાર સુવિધાનો વિકાસ પ્રતિબંધિત છે. આ વિસ્તાર નીચાણવાળા અને મીઢોળા નદીના પૂરના મેદાનનો વિસ્તાર પણ છે. જેથી અહીં સોલીડ વેસ્ટ સાઈટ શક્ય નથી.
ગામ લોકોએ ભીતિ વ્યક્ત કરી હતી કે, જો આ જગ્યાની ફાળવણી કરવામાં આવે તો આજુબાજુના ગામના ખેડૂતો જે થોડી ઘણી ખેતીની જમીન તથા પશુપાલનના વ્યવસાય તેમજ મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર તે તમામ પ્રકારના વ્યવસાય મૃતપાય થઈ જાય તેમ છે અને જીવન નિર્વાહમાં પણ મુશ્કેલી ઊભી થાય તેમ છે. તેમજ ગામ લોકોના સ્વાસ્થ્ય પર ઉપર પણ ગંભીર અસર થાય તેમ છે અને ગામ લોકોએ ગામ છોડવું પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ગામ લોકોએ સ્પષ્ટ કહ્યું હતું કે આ જગ્યા મીંઢોળા નદીમાં પૂરના મેદાન વિસ્તાર છે તેથી ચોમાસામાં અહીં ભારે મુશ્કેલી પડી શકે અને લોકોના ખેતરમાં પાણી ભરાય જાય તેવી ભીતિ છે. પાલિકા તંત્રએ અને શાસકોએ લોકોની ફરિયાદને સાંભળ્યા વિના જ ઉબંર સાઈટનો નિર્ણય કર્યો છે તે હવે સ્થાનિકો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. સામાન્ય ચોમાસમાં ખાડીનો બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો છે અને લોકોના ખેતરમાં પાણી ભરાતા ખેતર તળાવ જેવા બની ગયા છે તેથી લોકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે અને હજી ઉપરવાસમાં વરસાદ પડ્યો ન હોવાથી ગામ લોકોની મુશ્કેલી વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.