– કાપોદ્રા પોલીસે તેના મુંબઈ સેન્ટ્રલ સ્થિત ઘરેથી ઊંચકયો : 24 વર્ષનો આદિત્ય જયતાપકર પોતે બંધાણી, ડ્રગ્સનો ખર્ચ કાઢવા વેચે છે

– અગાઉ ઝડપાયેલા સુરતના જયેશ મકવાણા સાથે સંપર્ક થતા તેને ડ્રગ્સ આપતો હતો

સુરત, : સુરતમાં એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરતા મુંબઈના યુવાનને કાપોદ્રા પોલીસે તેના મુંબઈ સેન્ટ્રલ સ્થિત ઘરેથી જ ઊંચકી લીધો હતો.કુરીયર કંપનીમાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો યુવાન પોતે બંધાણી છે અને ડ્રગ્સનો ખર્ચ કાઢવા સાથે વેચે છે.યુવાન અગાઉ ઝડપાયેલા સુરતના જયેશ મકવાણા સાથે સંપર્ક થતા તેને ડ્રગ્સ આપતો હતો.

મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી લેનાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત મંગળવારે ફરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે અફશરઅલી અશરફઅલી સૈયદ, નિર્મિત ક્રિષ્નાકુમાર જાડેજા અને જયેશ ભાણાભાઈ મકવાણાને ઝડપી પાડી રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા અફશરઅલીને ડ્રગ્સ આપનાર લબરમુછીયા અયાનખાન આયુબખાન પઠાણને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂ.15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જયારે મુંબઈના સપ્લાયર આદિત્યને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન, આદિત્યને શોધવા કાપોદ્રા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એ.એલ.પંડયા, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ લાભાભાઈ, કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ અને કરણસિંહ ચંદ્રસિંહ મુંબઈ પહોંચ્યા હતા.કાપોદ્રા પોલીસની ટીમે બાતમીદારોની મદદથી આદિત્ય અંગે માહિતી મેળવ્યા બાદ સ્થાનિક પોલીસની મદદ મેળવી આદિત્ય દિપક જયતાપકર ( ઉ.વ.24, બી વિંગ, બીજો માળ, 203, અફઝલ બિલ્ડીંગ હાઉસીંગ સોસાયટી, ડો.આનંદરાવ નાયર રોડ, મરાઠા મંડીની સામે, મુંબઈ સેન્ટ્રલ ) ને ઝડપી લીધો હતો.કુરિયર કંપનીમાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો આદિત્ય પોતે ડ્રગ્સનો બંધાણી છે અને ડ્રગ્સનો ખર્ચ કાઢવા સાથે વેચે છે.ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ઝડપેલા સુરતના જયેશ મકવાણા સાથે સંપર્ક થતા તે તેને ડ્રગ્સ આપતો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *