Botswana threatened to Germany: આફ્રિકન દેશ બોત્સવાનાના રાષ્ટ્રપતિએ જર્મની પર રોષે ભરાઈને તેમના ત્યાં 20, 00 હાથી મોકલવાની ધમકી આપી છે. આ નારાજગી પાછળ જર્મનીના પર્યાવરણ મંત્રાલયનું એક સૂચન જવાબદાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જર્મન નાગરિકો અન્ય દેશોમાં જાનવરોનો શિકાર કરે છે. ત્યાર પછી ટ્રોફી તરીકે તેના અવશેષો લઈ આવે છે, જેના પર આપણે તાત્કાલિક રોક લગાવી દેવી જોઈએ.
આ અંગે પ્રતિક્રિયા આપતા બોત્સવાનાના રાષ્ટ્રપતિ મોકગ્વેત્સી માસીએ કહ્યું છે કે, ‘જર્મની આ પ્રકારનો પ્રતિબંધ મૂકશે તો મારા દેશના લોકો વધારે ગરીબ થઈ જશે. અમારા દેશે હાથીઓના સંરક્ષણ માટે કરેલા પ્રયાસોના કારણે હવે દેશમાં હાથીઓની વસતી બેફામ વધી રહી છે. જર્મનીથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને હાથીઓનો શિકાર કરવાની છૂટ આપવામાં આવે છે. આ કારણસર હાથીઓની વસતી કાબૂમાં રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત બોત્સવાનાને જંગી આવક પણ થાય છે. જર્મન પ્રવાસીઓને બોત્સવાના હાથી દાંત અને બીજી વસ્તુઓ લઈ જવાની પણ છૂટ આપે છે.’
આ ઉપરાંત માસીએ એમ પણ કહ્યું છે કે, ‘જર્મન લોકોએ પોતાના દેશમાં હાથીઓ સાથે રહેવું જોઈએ. જર્મની અમને હાથીઓનો શિકાર નહીં કરવા દેવાની સલાહ આપે છે પણ આ કોઈ મજાક નથી. બોત્સવાનામાં હાથીઓના ઝુંડ લોકોની ખેતીવાડી અને બીજી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. સ્થાનિકોને મારી રહ્યા છે. અમે જર્મનીને 20,000 હાથીઓ મોકલી આપીશું અને પછી જોઈશું કે જર્મન લોકો તેમની સાથે કેવી રીતે રહે છે.’
આ પહેલા બોત્સવાના બ્રિટનને પણ 10,000 હાથી હાઈડ પાર્કમાં મોકલી આપવાની ધમકી આપી ચૂક્યું છે. દુનિયાના ત્રીજા ભાગના હાથીઓની વસતી બોત્સાવનામાં છે. અહીંયા હાથીઓની સંખ્યા 1.30 લાખ કરતા વધારે છે અને દેશના કદને જોતા આ વસતી ઘણી વધુ હોવાનો સરકારનો દાવો છે. આ પહેલા વસતી ઓછી કરવા માટે બોત્સવાનાએ પાડોશી દેશ અંગોલાને પણ 8000 હાથી ભેટમાં આપ્યા હતા. બોત્સવાનાએ મોઝામ્બિકને પણ આ જ પ્રકારની ઓફર આપી છે.