Maryam Nawaz’s outrage against Chinese citizens: પાકિસ્તાનમાં કામ કરતા ચીનના નાગરિકો પર તાજેતરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ચીનના રોષને ઠંડો પાડવા માટે ચીની નાગરિકોની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. જોકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી તેમજ નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝનુ કહેવું છે કે, ‘ચીનના લોકો પાકિસ્તાની પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની બિલકુલ ઈજ્જત કરતા નથી. જ્યારે તેમને સુરક્ષા પ્રોટોકોલનુ પાલન કરવાનુ કહેવામાં આવે ત્યારે તેઓ નારાજ થઈ જાય છે.’

તાજેતરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયેલા આતંકી હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા હતા. આ મામલામાં લાપરવાહી બદલ ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સંદર્ભે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કમિટિની બેઠકમાં કહ્યું હતું કે, ‘ચીનના નાગરિકોને પાકિસ્તાનમાં સુરક્ષાના નિયમોનું પાલન  કરવાનુ પસંદ નથી. તેમને કશું કહીએ તો નારાજ થઈ જાય છે.’

આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેકટમાં કામ કરી રહેલા ચીનના લોકોની સુરક્ષા વધારે મજબૂત બનાવવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, ‘આતંકવાદ સામેનું યુદ્ધ વધારેને વધારે પડકારજનક બની રહ્યું છે કારણકે આતંકવાદીઓ પણ હવે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની પાસે લેટેસ્ટ અમેરિકન હથિયારો છે, જે તેમને અફઘાનિસ્તાનમાંથી મળ્યા છે. સુરક્ષા દળોએ આતંકીઓ કરતા એક ડગલું આગળ રહેવાનું વિચારવુ પડશે.’

પાકિસ્તાની મિડિયા ચેનલના રિપોર્ટ પ્રમાણે ચીનના ગુસ્સાને શાંત કરવા માટે પાકિસ્તાને આતંકવાદી હુમલા બાદ પોલીસ સામે કાર્યવાહી કરી છે અને આ માટે ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આદેશ આપ્યો છે. આ હુમલાની તપાસ માટે બનાવેલી સમિતિના રિપોર્ટ બાદ પાકિસ્તાની સરકારે સ્વીકાર્યું છે કે, સુરક્ષા પ્રોટોકોલમાં ચૂક થઈ હતી. હવે વડાપ્રધાન શરીફ પોતે ચીનના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *