Image Source: Twitter
ભારતની જાસૂસી સંસ્થા રો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવી રહ્યો હોવાના બ્રિટિશ અખબારના અહેવાલ બાદ પાકિસ્તાનને હવા ભરાઈ છે.
પાકિસ્તાને આ અહેવાલ પર ફરી એક વખત ભારત સામે ઝેર ઓકીને કહ્યુ છે કે, અમારી પાસે બે પાકિસ્તાની નાગરિકોની હત્યામાં ભારતના એજન્ટો સામેલ હોવાના પૂરાવા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાનના નાગરિકોની હત્યા કરીને પાકિસ્તાનની સંપ્રુભતા તેમજ યુએનના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. આ હત્યા કરનારા અપરાધીઓ તથા તેમને મદદ કરનારાઓને કોર્ટના કઠેડામાં ઉભા રાખવા પડશે. ભારતનુ હત્યા કરાવવાનુ નેટવર્ક હવે વૈશ્વિક સ્તરે ફેલાઈ ચુકયુ છે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આ માટે દુનિયાએ જવાબદાર ઠેરવવુ પડશે. કારણકે અમેરિકા અને કેનેડામાં પણ પાકિસ્તાનમાં જે રીતે હત્યાઓ થઈ છે જે તે જ રીતે હત્યાઓને અંજામ આપવામાં આવ્યો છે અથવા તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનનુ નિવેદન બ્રિટિશ અખબારના અહેવાલ બાદ આવ્યુ છે. બ્રિટિશ અખબારે સાવ એક તરફી અને પક્ષપાત પૂર્ણ અહેવાલમાં દાવો કર્યો હતો કે, 2019ના પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં 20 જેટલા આતંકીઓની હત્યા કરાવી છે.
ભારત સરકારે આ અહેવાલને પાયા વગરનો અને નિરાધાર ગણાવ્યો છે.