પાકિસ્તાન માટે આતંકવાદ દૂધ પીવડાવીને ઉછેરેલા સાપ જેવો પૂરવાર થઈ રહ્યો છે. જે હવે તેને જ ડંખ મારી રહ્યો છે.

આતંકી સંગઠન TTP(તહેરિક એ તાલિબાન પાકિસ્તાન) દ્વારા સતત પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે અને તેના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચેના સબંધો વણસી ગયા છે.

પાકિસ્તાન માને છે કે, TTPના આતંકીઓ હુમલા કરીને અફઘાનિસ્તાનમાં જતા રહે છે અને તેમને તાલિબાનની સરકાર આશ્રય આપે છે. આ આક્ષેપોનો તાલિબાન ઈનકાર કરી રહ્યુ છે. બીજી તરફ તાલિબાન સરકારે પાકિસ્તાન સાથેનો તણાવ ઓછો કરવા માટે TTP અને પાકિસ્તાન સરકાર વચ્ચે વાતચીત થાય તેવા પ્રયત્નો પણ કર્યા છે.

જોકે પાકિસ્તાન સરકાર આ સંગઠન સાથે વાતચીત કરવા માંગતી નથી અને તેના કારણે તાલિ્બાની નેતાઓ ફરી છંછેડાયા  છે. અફઘાનિસ્તાનના ડેપ્યુટી હોમ મિનિસ્ટર મોહમ્મદ નબી ઓમારીએ ચેતવણી આપતા કહ્યુ છે કે, પાકિસ્તાન TTP સામે લડાઈ ચાલુ રાખીને અમારા માટે પણ સમસ્યા સર્જી રહ્યુ છે. પાકિસ્તાને છેડેલા યુધ્ધની આગ અમને પણ દઝાડી રહી છે પણ તેઓ TTP સામે યુધ્ધ નહીં જીતી શકે. પાકિસ્તાન પાસે દસ લાખ સૈનિકોની સેના હોય કે દસ કરોડ સૈનિકો સાથેની સેના હોય પણ તેનાથી કોઈ ફરક પડવાનો નથી. અમારો અનુભવ કહે છે કે, TTP સામે પાકિસ્તાન યુધ્ધ નહીં જીતી શકે.

તેમણે કહ્યુ હતુ કે, અમે પાકિસ્તાની સરકાર અને TTPને વાતચીત માટે એક પ્લેટફોર્મ પર આવવા માટે અનુરોધ કરીએ છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને પાકિસ્તાનના વજિરિસ્તાન પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં સાત પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા અને એ પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનની બોર્ડર પર હુમલા કર્યા હતા. જેના પગલે બંને દેશો વચ્ચે સ્ફોટક સ્થિતિ ઉભી થઈ હતી.

પાકિસ્તાની સરકારે TTP સાથે કોઈ જાતની વાતચીત નહીં થાય તેવુ વલણ અપનાવીને અફઘાનિસ્તાનની ઓફર ફગાવી દીધી હોવાથી આ સંઘર્ષનો નજીકના ભવિષ્યમાં અંત આવે તેમ લાગતુ નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *