– અન્ય ઓસ્કર વિજેતા રહેમાન સાથે કોલબરેશન
– નેટ યુઝર્સનો સવાલઃ વિદેશી સંગીતકારનો મોહ શા માટે, આરઆરઆરના સંગીતકાર કિરવાની કેમ નહીં
મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં સંગીત માટે બે ઓસ્કર વિજેતાઓ હંસ ઝીમર તથા એ. આર. રહેમાન કોલબરેશન કરશે. મૂળ જર્મન સંગીતકાર હંસ ઝીમરને ‘ડયૂન પાર્ટ વન’ તથા ‘ધી લાયન કિંગ’ માટે ઓસ્કર મળી ચૂક્યો છે. બીજી તરફ એ. આર. રહેમાનને ‘ધી સ્લમ ડોગ મિલિયોનર’ માટે ઓસ્કર મળી ચૂક્યો છે. એક દાવા અનુસાર હંસ ઝીમર ‘રામાયણ’ની ગાથાથી સારી રીતે વાકેફ છે અને તેણે પોતે પણ આ ફિલ્મ માટે મ્યુઝિક કમ્પોઝ કરવા ઉત્સાહ દાખવ્યો છે.
ભૂતકાળમાં હંસ ઝીમેર એ આર રહેમાન સાથે કામ કરવાની ઇચ્ચા વ્યક્ત કરી હતી અને બન્ને જણા એક બીજાના સંગીતના વખાણ અને ઉત્સાહ વધારતા હોય છે.
નિતેશ તિવારી ‘રામાયણ’ને વૈશ્વિક સ્તરની ફિલ્મ બનાવવા ઈચ્છે છે આથી તેમણે હોલીવૂડના સંગીતકાર સાથે કોલબરેટ કર્યું છે. હંસ ઝીમર બીજી પણ અનેક જાણીતી સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે.
ફિલ્મની ટીમ તરફથી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. જોકે, આ અંગેના અહેવાલો પ્રસરતાં કેટલાક નેટ યૂઝર્સ દ્વારા રોષ પણ વ્યક્ત કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ‘આરઆરઆર’ માટે સંગીતકાર એમ. એમ. કિરવાનીને ઓસ્કર મળી ચૂક્યો છે. જો કોઈ ઓસ્કર વિજેતાનો જ મોહ હતો તો કિરવાનીને કેમ સાઈન કરવામાં આવ્યા નથી. તેઓ ભારતીય સંસ્કૃતિ પર આધારિત ફિલ્મોમાં સંગીત આપવામાં માહેર પણ છે.