Delhi High Court : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી જ સરકાર ચલાવી શકે તે માટે કાર્યાલય સ્થાપવા અને તેમના વિરુદ્ધના નિવેદનો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેમની અરજીને સુનાવણી લાયક ન હોવાનું કહી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે અરજદાર વકીલ શ્રીકાંત પ્રસાદને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જેલમાં સીએમ ઓફિસ ખોલવા કરી હતી માંગ
શ્રીકાંત પ્રસાદે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં માંગ કરી હતી કે, મુખ્યમંત્રી કેજરીવાલ (CM Arvind Kejriwal) પોતાના મંત્રીઓ અને અન્ય ધારાસભ્યો સાથે વાતચીત કરી શકે અને દિલ્હી સરકારને યોગ્ય ચલાવી શકે, તે માટે તેમને તિહાર જેલમાં જ જરૂરી સુવિધા આપવામાં આવે. અરજીમાં એવી પણ માંગ કરાઈ હતી કે, મીડિયામાં ચાલતા મુખ્યમંત્રીના રાજીનામાના અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના સનસનાટીભર્યા સમાચારો બંધ કરવામાં આવે.
હાઈકોર્ટે વકીલને ખખડાવી કહ્યું- ‘શું અમે માર્શલ લૉ લાગુ કરીએ?’
દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે વકીલ શ્રીકાંત પ્રસાદની દલીલ પર કહ્યું કે, ‘અમે મીડિયાને પોતાના વિચારો પ્રસારીત કરવાથી અને કેજરીવાલના રાજકીય વિરોધીઓ દ્વારા તેમનો વિરોધ કરવાથી ન અટકાવી શકીએ. આ દરમિયાન હાઈકોર્ટે તેમને ફટકાર લગાવીને કહ્યું કે, ‘અમે શું કરીએ? શું અમે ઈમરજન્સી અથવા માર્શલ કાયદો લાગુ કરીએ? અમે મીડિયા અને રાજકીય હરીફો વિરુદ્ધ પ્રતિબંધનો આદેશ ન આપી શકીએ?’