– સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લેવાનો સીબીઆઇનો આરોપ

-હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પર્વતગૌડા યુપીઆઇથી રૂ.2.5 લાખની લાંચ લેતા ઝડપાયા 

– ડોક્ટર્સ અને મેડિકલ ઉપકરણો સાથે જોડાયેલા ડીલર્સના 15 પરિસરોમાં સીબીઆઇના દરોડા : એફઆઇઆરમાં 16 આરોપીઓના નામ

નવી દિલ્હી : સીબીઆઇએ મોટી કાર્યવાહી કરતા દિલ્હીના રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઇએ હોસ્પિટલના બે ડોક્ટરો સહિત ૯ લોકોની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો સારવારના નામે દર્દીઓ પાસેથી લાંચ લઇ રહ્યાં હતાં.

ધરપકડ કરવામાં આવેલા લોકોમાં મેડિકલ ઉપકરણો પૂરા પાડનારા લોકો પણ સામેલ છે. આ લોકો હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસૂલ કરતા હતાં.

સીબીઆઇના જણાવ્યા અનુસાર આ ભ્રષ્ટાચાર કેસમાં બે ડોક્ટર પણ સામેલ છે જેમાં એક પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરનો સમાવેશ થાય છે. તેમના પર ગરીબ દર્દીઓ પાસેથી સારવારના નામે નાણાં લેવા અને મેડીકલ ઉપકરણો પૂરા પાડનારા ડીલર્સ પાસેથી મોટા પાયે નાણા લેવાનો આરોપ છે.

સીબીઆઇએ ડોક્ટર્સ અને મેડિકલ ઉપકરણો સાથે જોડાયેલા ડીલર્સના ૧૫ પરિસરો પર દરોડા પાડયા છે. સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં કુલ ૧૬ આરોપીઓનો ઉલ્લેખ કર્યો છે. 

આરએમએલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર પર્વતગૌડાના લગભગ ૨.૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ લાંચ તેમને યુપીઆઇના માધ્યમથી મળી હતી.

આ ઉપરાંત આરએમએલ હોસ્પિટલની કેથ લેબમાં સીનિયર ટેકનિકલ ઇન્ચાર્જ રજનીશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર અજય રાજ, નર્સ શાલુ શર્મા, હોસ્પિટલના કલાર્ક ભુવન જૈસવાલ અને સંજ્ય કુમાર ગુપ્તા સહિત પાંચ અન્ય લોકોની પણ ધરપકડ કરી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાંચ મોડયુલ દ્વારા ભ્રષ્ટાચારને અંજામ આપી રહ્યાં હતાં અને દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસુલ કરી રહ્યાં હતાં. દર્દીઓ પાસેથી સ્ટેન્ટ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડવા, સ્ટેન્ટના વિશેષ બ્રાન્ડ પૂરી પાડવી, લેબમાં મેડીકલ ઉપકરણો પૂરા પાડવા, લાંચ લઇને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અને નકલી મેડિકલ સર્ટિફિકેટ જારી કરવાના નામે લાંચ લેવામાં આવી રહી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *