– નરેન્દ્ર મોદીનો રહસ્યમય અને સનસનાટીભર્યો ઘટસ્ફોટ
– કોંગ્રેસ હવે બન્ને ઉદ્યોગપતિઓને લઇના મુદ્દે ચુપ થઇ ગઈ છે, દાળમાં કંઇક કાળુ છે, દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે : વડાપ્રધાન
– કોંગ્રેસ રાષ્ટ્રપતિ મુર્મુને પણ આફ્રિકી માને છે, પિત્રોડાએ દેશનું અપમાન કર્યું : મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પ્રથમ વખત અદાણી-અંબાણીને લઇને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે. મોદીએ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી અદાણી-અંબાણી મુદ્દે કેન્દ્ર સરકાર પર અનેક વખત આરોપો લગાવી ચુક્યા છે. જોકે હવે અચાનક જ આરોપો લગાવવાનું બંધ કરી દીધુ છે. કોંગ્રેસે લોકો વચ્ચે સ્પષ્ટતા કરવી જોઇએ છેલ્લા પાંચ વર્ષથી શેહઝાદા (રાહુલ ગાંધી) અદાણી-અંબાણીને લઇને સરકાર પર આરોપો લગાવતા હતા, ગાળો આપતા હતા પણ હવે કેમ ચુપ છે?. શું અદાણી-અંબાણી સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસે કોઇ ડીલ કરી છે? ટેમ્પો ભરીને રૂપિયા લીધા છે.
તેલંગાણામાં વેમુલાવાડામાં ચૂંટણીની રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે રફાલનો મુદ્દો બહાર આવ્યો ત્યારે રાહુલ ગાંધીએ પાંચ ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવતા હતા, બાદમાં અદાણી અને અંબાણી પર લગાવવા લાગ્યા હતા. જોકે જ્યારથી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી કોંગ્રેસે અને તેના શેહઝાદા (રાહુલ ગાંધી)એ અદાણી અને અંબાણીને ગાળો દેવાનું બંધ કરી દીધુ છે, દાળમાં કઇક કાળુ છે. ચૂંટણીમાં અડાણી-અંબાણી પાસેથી કેટલા રૂપિયા લીધા? કાળા નાણાના કેટલા થેલા માર્યા? ટેમ્પો ભરીને નોટો પહોંચી છે.
રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ અડાણી-વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મિત્રતા હોવાના અનેક આરોપો લગાવ્યા હતા. આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવી ચુક્યો છે. જોકે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ટેમ્પો ભરીને અડાણી-અંબાણી પાસેથી રૂપિયા લીધા છે. સાથે સવાલ કર્યો હતો કે અચાનક જ કોંગ્રેસે આ બન્ને ઉદ્યોગપતિઓ પર આરોપો લગાવવાનું બંધ કેમ કરી દીધુ? શું કોઇ ડીલ થઇ છે? કોંગ્રેસે દેશને તેનો જવાબ આપવો પડશે. કોંગ્રેસના શેહઝાદા દિવસ-રાત એક જ માળા જપતા હતા, પાંચ ઉદ્યોગપતિ અને અડાણી-અંબાણી પણ હવે ચુપ થઇ ગયા.
આ સાથે જ મોદીએ દાવો કર્યો હતો કે ત્રણ તબક્કાના મતદાનમાં જ કોંગ્રેસનો ફ્યૂઝ ઉડી ગયો છે. કોંગ્રેસ દેશની ક્ષમતાઓને બરબાદ કરી રહી છે, કૃષિ અને ટેક્સટાઇલ વર્ષોથી દેશની તાકાત રહી છે. જોકે કોંગ્રેસે તેને બરબાદ કરી દીધી છે. દેશમાં તમામ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ છે. સાથે જ તેમણે બીઆરએસને પણ આડેહાથ લીધી હતી, મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એક એવી ફેવિકોલ છે જે કોંગ્રેસ અને બીઆરએસનું સમાન કેરેક્ટર છે, બન્ને એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે પણ પાછલા બારણે બન્ને પક્ષો ભ્રષ્ટાચારની સિન્ડિકેટનો હિસ્સો છે. ભાજપ રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર ચાલે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને બીઆરએસ તેલંગાણામાં પરિવાર પ્રથમના સિદ્ધાંતને વળગી રહ્યા છે.
દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે જ કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને પણ આડેહાથ લીધા હતા. મોદીએ તેલંગાણામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે આજે હું બહુ જ ગુસ્સામાં છું, શેહઝાદા (રાહુલ)ના એક અંકલે એવી ગાળો દીધી છે કે જેને કારણે મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. બંધારણ માથા પર રાખનારા લોકો દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.
પોતાના કાર્યકાળમાં અમે આદિવાસી પુત્રી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે કોંગ્રેસે તેનો ભરપુર વિરોધ કર્યો હતો. હુ વિચારી રહ્યો હતો કે આદિવાસી સમાજના પુત્રી અને પ્રતિષ્ઠિત દ્રૌપદી મુર્મુનો કોંગ્રેસ વિરોધ કેમ કરી રહી છે. મને તે નહોતુ સમજાતું, મને એવુ લાગતુ હતું કે શેહઝાદાનું મગજ આવુ જ છે તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે. મને આજે ખ્યાલ આવ્યો કે કોંગ્રેસ દ્રૌપદી મુર્મુને કેમ હરાવવા માગતી હતી. શેહઝાદાના અંકલ (સામ પિત્રોડા) કહે છે કે જેની ચામડીનો રંગ કાળો હોય તે આફ્રિકાના છે. ચામડીના રંગના આધારે દેશના લોકોને ગાળો આપી છે. કોંગ્રેસે માની લીધુ હતું કે દ્રૌપદી મુર્મુની ચામડીનો રંગ કાળો હોવાથી તે આફ્રિકી છે.
બંધ બારણે અદાણી-અંબાણી વિશે બોલતા મોદીએ પ્રથમ વખત જાહેરમાં બન્નેના નામ લીધા
અદાણી-અંબાણીને ત્યાં ઇડી-સીબીઆઇ તપાસ કરાવો, મોદી ડરો નહીં : રાહુલ
– બન્ને ઉદ્યોગપતિઓ ટેમ્પો ભરીને રૂપિયા આપે છે તેવી જાણકારી ધરાવતા મોદીને વ્યક્તિગત અનુભવ હશે : કોંગ્રેસ નેતા
કોંગ્રેસની અદાણી અને અંબાણી સાથે ડીલ થઇ હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો હતો સાથે જ એક પડકાર પણ ફેંક્યો હતો. રાહુલે કહ્યું હતું કે સમગ્ર દેશને ખ્યાલ છે કે ભ્રષ્ટાચારના ટેમ્પોના ડ્રાઇવર અને હેલ્પર કોણ છે. હું મોદીજીની કહેવા માગુ છંન કે તમે ડરો નહીં, અદાણી અને અંબાણીને ત્યાં તપાસ કરવા માટે સીબીઆઇ અને ઇડીના દરોડા પડાવો.
મોદીના આક્ષેપો બાદ રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને આ ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોની કેપ્શન છે નરેન્દ્ર મોદી જી, અડાણી-અંબાણી તમને ટેમ્પો ભરીને રૂપિયા આપે છે શું? આ તમારો વ્યક્તિગત અનુભવ છે? એક કામ કરો સીબીઆઇ, ઇડીને આ બન્ને ઉદ્યોગપતિઓને ત્યાં મોકલો અને તપાસ કરાવો, ડરો નહીં. જ્યારે વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નમસ્કાર મોદીજી, થોડા ડરી ગયા હોય તેમ લાગે છે.
રાહુલે કહ્યું હતું કે સામાન્ય રીતે તો તમે બંધ બારણે જ અડાણી અને અંબાણી અંગે વાત કરો છો. પણ પ્રથમ વખત તમે જાહેરમાં બન્ને ઉદ્યોગપતિના નામનો ઉલ્લેખ કર્યો છે. તમને તો એ પણ ખ્યાલ છે કે ટેમ્પો ભરીને આ બન્ને રૂપિયા આપે છે. શું આ તમારો વ્યક્તિગત અનુભવ છે? આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેટલા રૂપિયા નરેન્દ્ર મોદીજીએ આમને આપ્યા છે તેટલા જ રૂપિયા અમે હિન્દુસ્તાનના ગરીબ લોકોને આપવા જઇ રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું હતું કે ૩ એપ્રીલથી અત્યાર સુધીમાં રાહુલ ગાંધી ૧૦૨ વખત ગૌતમ અડાણી અને ૨૦ વખત મુકેશ અંબાણીનું નામ લઇ ચુક્યા છે.