– આંધ્રમાં 12 મે સુધી વીજળી-પવન સાથે વરસાદની આગાહી
જયપુર : રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના બાડમેરમાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.
જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ૪૦થી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
બાડરમેરમાં ૪૬, ઝાલોરમાં ૪૫.૫, ફલોદીમાં ૪૫.૪, જૈસલમેર અને ગંગાનગરમાં ૪૫.૨, જોધપુરમાં ૪૫, કોટા અને બીકાનેરમાં ૪૪.૬, વનસ્થલીમાં ૪૪.૧, સંગરિયામાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
માઉન્ટ આબુનું તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે રાજ્યનું સૌથી ઓછું તાપમાન હતું. પાટનગર જયપુરમાં મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ભરતપુરના જિલ્લા કલેક્ટરે ૯ થી ૧૧ મે સુધી શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.
૯ મેના રોજ જોધપુર અને બિકાનેરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ૮ મેથી ૧૨ મે સુધી આંધ્ર પ્રદેશમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આંધ્રના રાયલસીમા સહિતના કેટલાક વિસ્તારોમાં ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. બીજી તરફ કેરળમાં હીટવેવ યથાવત છે. રાજ્યના તિરુવનંતપુરમ, અલાપ્પુઝા અને કોઝિકોડ જિલ્લાઓમાં ૯ મે સુધી યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૬ થી ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના દર્શૌવવામાં આવી છે. ૧૦ અને ૧૧ મેના રોજ સર્જાનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ૧૧ થી ૧૩ મે દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.