– 2023 પહેલાંના બધા ફોટા ડિલીટ કરતાં ચર્ચા
– જોકે, દીપિકાના એકાઉન્ટમાં તમામ ફોટા છે, બંને હાલ બેબીમૂન પર હોવાની અટકળો
મુંબઈ : રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથેના તેના લગ્નના તમામ ફોટા ડિલીટ મારતાં ચાહકો દ્વારા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. રણવીર અને દીપિકા હાલ બંને બેબીમૂન પર હોવાની અટકળો છે. દીપિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તમામ તસવીરો જોકે હજુ પણ મોજુદ છે.
મંગળવારે ચાહકોએ નોંધ્યું હતું કે રણવીરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી અચાનક જ ૨૦૨૩ પહેલાંની તમામ તસવીરો ગાયબ થઈ ગઈ છે. તેમાં તેણે અને દીપિકાએ સાથે શેર કરેલા વેડિંગ પિક્ચર્સનો પણ સમાવેશ થતો હતો.
જોકે, રણવીર અને દીપિકાના તાજેતરના કેટલાક ફોટા હજુ જેમના તેમ છે. એ જ રીતે દીપિકાની ટાઈમલાઈન પર પણ વેડિંગ પિકચર્સ સહિતના તમામ ફોટા મોજુદ હોવાથી ચાહકોએ હાશકારો અનુભવ્યો હતો.
રણવીર અને દીપિકા વચ્ચે અણબનાવના સમાચારો અગાઉ બહુ ચર્ચાયા હતા. જોકે, બાદમાં બંનેએ જાહેરમાં સાથે દેખા દઈને તથા સોશિયલ મીડિયા પોસ્ટ પર લાગણીભરી પોસ્ટસ સાથે આ બધી અફવાઓનો છેદ ઉડાવ્યો હતો.
એ પછી ગયા ફેબુ્રઆરી મહિનામાં દીપિકાએ પ્રેગનન્સીની સત્તાવાર ઘોષણા પણ કરતાં તમામ અફવાઓ પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
વાસ્તવમાં રણવીર અને દીપિકા હાલ બેબીમૂન પર હોવાનું મનાય છે. દીપિકા એક પ્લેનની સીડી ચઢી રહી હોય તેવો ફોટો વાયરલ થયો છે. તેના પરથી આ અટકળો વ્યક્ત થઈ રહી છે.