– યુક્રેન ઉપરાંત પશ્ચિમના દેશોનો પણ ભય છે : સેનાપતિઓ

– પુતિને આ આદેશ યુક્રેનની સીમા પર રહેલી ભૂમિ-સેના અને નૌસેનાના ઓફીસર્સ કમાન્ડીંગ સેના પ્રમુખોને આપી દીધા છે

મોસ્કો : છેલ્લાં બે વર્ષથી પણ વધુ સમયથી યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. હવે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનના ખતરનાક ઈરાદાઓ બહાર આવ્યા છે. તેણે યુક્રેનની સીમા પર રહેલી ભૂમિસેના અને નૌસેનાના ઓફીસર્સ કમાન્ડીંગને પરમાણુ શસ્ત્રો સાથે યુદ્ધાભ્યાસ કરવા જણાવી દીધું છે, સહજ રીતે જ આ આદેશ આપતાં પૂર્વે પ્રમુખ પુતિને તેની ત્રણે સેનાઓના વડાઓ સાથે મંત્રણા કરી જ લીધી હોય.

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે સોમવારે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રમુખે પરમાણુ શસ્ત્રો કેવી રીતે વાપરવા તે માટે પાકી જાણકારી મેળવવા માટે તે ઓફીસર્સ કમાન્ડીંગ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓને જણાવી દીધું છે.

પુતિને આ નિર્ણય તેટલા માટે લીધો છે કે તેની સેનાઓના વડાઓએ જણાવી દીધું છે કે, રશિયાને પશ્ચિમના દેશો તરફથી પણ ખતરો છે. તેથી સેનાભ્યાસમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરી યુદ્ધમાં ક્યા મોર્ચા ઉપર તેનો કઈ રીતે અને ક્યારે ઉપયોગ કરવો તેની પૂરેપૂરી સમજણ મેળવવી જોઈએ.

રશિયન સેનાના ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે, આ દ્વારા અમે તે દર્શાવવા માંગીએ છીએ કે અમે અમારી અખંડતા અને એકતાની સુરક્ષા માટે પૂરેપૂરા તત્પર અને તૈયાર છીએ.

રશિયન સેનાએ કહ્યું કે પશ્ચિમના દેશો તરફથી પણ અમને ખતરો છે, તે સ્થિતિમાં દરેક સ્તરે પહોંચી વળવાની તૈયારી કરવી અનિવાર્ય છે.

તે પણ સર્વવિદિત છે કે, પુતિને અમેરિકા સહિત પશ્ચિમના દેશોને પરમાણુ શસ્ત્ર વાપરવાની અનેક વખત ધમકીઓ ઉચ્ચારેલી છે. યુક્રેનને મદદ કરનારા પશ્ચિમના દેશોને પુતિને આવી ખુલ્લી ચેતવણીઓ આપ્યા કરી છે.

રશિયાએ રવિવારે રાત્રે યુક્રેન ઉપર ડ્રોન હુમલા કર્યા હતા તેથી યુક્રેનમાં ૪ લાખ ઘરોની બત્તી ગુલ થઈ ગઈ હતી. તે સામે યુક્રેને પણ રશિયામાં બેલ-ગોરાદે વિસ્તારને નિશાન બનાવી ડ્રોન હુમલા કર્યા હતા. તેથી ૬ રશિયન્સનાં મોત થયા હતા, ૩૫ જખ્મી થયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *