દક્ષિણા બાબતે વાંધો પડતા ગોર મહારાજના ધક્કાથી યજમાનનું મોત
ગુનો દાખલ કરી પોલીસે ગોર મહારાજની ધરપકડ કરી
ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેમનું મોત થયુ
જેતપુર તાલુકાના રબારીકા ગામે એક અકલ્પનિય બનાવ બન્યો હતો. જેમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજની દક્ષિણા વધુ લાગતા હવનમાં અન્ય ગોર મહારાજને બોલાવતાં પારંપરિક ગોર ગુસ્સે ભરાય હતા. જેમાં યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેમનું મોત નીપજ્યું હતું.
ઓછી દક્ષિણા લેતા બીજા ગોરને બોલાવવા પડ્યા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો ગામમાં એક હવન કરી રહ્યાં હતા. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે ગોર કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ વયોવૃદ્ધ ગોરને ગામ લોકોએ જણાવેલ કે, તમે અમને હવનના કર્મકાંડના 11 હજાર કિધેલ જે અમોને પરવડે તેમ ન હોવાથી અમે ઓછી દક્ષિણા લેતા બીજા ગોરને બોલાવવા પડ્યા છે. જે વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા. તેમજ યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેનો ધક્કો મારતાં રવજીભાઈ ઘરમાં રહેલ પાણીયારાની પથ્થરની પાટ સાથે તેનું માથું ટકરાતા તેને માથાના પાછળના ભાગે ઇજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા.
ગુનો દાખલ કરી પોલીસે ગોર મહારાજની ધરપકડ કરી
બેભાન અવસ્થામા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી જેતપુર સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. બીજીબાજુ પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરીયાદ પરથી અમૃતલાલ દવે ગોર સામે ગેર ઇરાદે હત્યાની આઈપીસી 304 હેઠળ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.