IPL 2024 Ravindra Jadeja No Ball Controversy: IPL 2024ની 39મી રોમાંચક મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. લખનઉનો આ હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈ સામે 6 વિકેટથી વિજય થયો હતો. આ સિઝનમાં લખનઉએ CSKને બીજી વાર હરાવી છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં ફરી એક વખત ચાહકોએ એમ્પાયરિંગ પર સવાલ ઉઠાવ્યા છે.
આ અગાઉ KKR અને RCBની મેચ દરમિયાન વિરાટ કોહલીના આઉટ થવા પર અમ્પાયરના નિર્ણય પર ખૂબ વિવાદ જોવા મળ્યો હતો. હવે રવીન્દ્ર જાડેજાના નો-બોલ પર ચાહકો ભડક્યા છે. ચાહકો હવે સોશિયલ મીડિયા પર એમ્પાયરિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજાના નો-બોલ પર ભડક્યા ક્રિકેટ ચાહકો
IPL 2024માં ચાહકો અનેક વખત એમ્પાયરિંગ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. વિરાટ કોહલીના આઉટ થવાનો મુદ્દો હજુ ઠંડો નથી થયો ત્યાં હવે રવીન્દ્ર જાડેજાના નો-બોલ પર વિવાદ શરૂ થઈ ગયો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે જ્યારે જાડેજા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેની એક ઓવરના છેલ્લા બોલને એમ્પાયરે પગનો નો-બોલ આપી દીધો હતો.
જોકે, રિપ્લેમાં જોવા મળે છે કે, જાડેજાના જૂતાનો થોડો ભાગ લાઈનની અંદર હતો. નિયમ પ્રમાણે જો કોઈ પણ બોલરના જૂતાનો થોડો પણ ભાગ લાઈનની અંદર હોય તો તેને નો-બોલ ન આપી શકાય.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક યુઝરે પોસ્ટ શેર કરીને અમ્પાયરને સવાલ પૂછ્યો છે. આ પોસ્ટમાં યૂઝરે એક તરફ જાડેજા અને બીજી તરફ સુનિલ નરેનની બોલિંગનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેને પૂછ્યું છે કે, આ કેવી રીતે બન્યું કે, જાડેજાનો બોલ નો-બોલ હતો અને નરેનનો બોલ નો-બોલ નહતો? શું કોઈ નિયમ એક્સપર્ટ આ સમજાવી શકે છે? હવે આ પોસ્ટ પર અનેક યૂઝર્સ પોત-પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.
LSG સામે જાડેજાનો જાદુ ન ચાલ્યો
લખનઉ સુપર જાયન્ટ્સ સામે રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન બેટિંગ અને બોલિંગ બંનેમાં કંઈ ખાસ નહોતું રહ્યું. બેટિંગ કરતા જાડેજાએ 19 બોલમાં માત્ર 16 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેચમાં જાડેજાએ માત્ર 2 ઓવરમાં 16 રન આપીને એક પણ વિકેટ નહોતી ઝડપી. આમ LSG સામે જાડેજાનો જાદુ ન ચાલ્યો.