India Tour of Pakistan, Champions Trophy 2025 : પાકિસ્તાનમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે, પરંતુ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ ત્યાં જશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી. આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારત ત્યાં રમવા નહીં જાય. જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે રમવા નહીં જાય તો શું થશે? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ અંગે નિવેદન આપ્યું છે.
ટીમ ઈન્ડિયા નહીં આવે તો અમે અન્ય વિકલ્પો પર વિચારીશું : પીસીબી
પીસીબીના એક સૂત્રએ કહ્યું કે, ‘જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સત્તાવાર રીતે ઇનકાર કરશે, તો પીસીબી અન્ય વિકલ્પો પર વિચારણા કરશે. વાસ્તવમાં તાજેતરમાં એવો અહેવાલ સામે આવ્યો છે કે, ટીમઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી-2025 માટે પાકિસ્તાન નહીં જાય.
‘…તો ભારત-પાકિસ્તાન વચ્ચે અન્ય સ્થળે રમાશે મેચ’
પીબીસીના સૂત્રએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ પહેલા જ કહ્યું છે કે, જો ભારતીય ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવવાનો ઈન્કાર કરશે તો પાકિસ્તાન ભારત સાથે અન્ય સ્થળે દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે તૈયાર છે.’
બંને દેશો વચ્ચે છેલ્લે 2012-13માં મેચ રમાઈ હતી
આ પહેલા BCCI સૂત્રોએ એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે, ભારતીય ટીમ આવતા વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. તેમાં કદાચ સ્થળ બદલવામાં આવશે અથવા હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કરાશે. સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી હતી કે, નજીકના ભવિષ્યમાં પડોશીઓ સાથે દ્વિપક્ષીય શ્રેણીની કોઈ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી.