Israel vs Hamas War Updates | ઈઝરાયેલે ઉત્તર અને દક્ષિણ ગાઝાને ખેદાન-મેદાન કરી નાંખ્યા પછી હવે વેસ્ટ બેન્ક પર હુમલા શરૂ કર્યા છે. આઈડીએફે વેસ્ટ બેન્કમાં તુલકર્મના નૂર શમ્સમાં હુમલો કરી મકાનોને કાટમાળમાં ફેરવી દીધા છે. વધુમાં આઈડીએફે દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનો ભોગ લીધો હતો તેમજ શનિવારે વેસ્ટ-બેન્કમાં કત્લેઆમ મચાવી હતી. ઈઝરાયેલના સૈન્યના આ કૃત્યના વિરોધમાં અમેરિકાએ પહેલી વખત આઈડીએફના એક યુનિટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી ઈઝરાયેલને મોટો આંચકો લાગ્યો છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે તેમને આવા પ્રતિબંધની અપેક્ષા નહોતી.
ઈઝરાયેલે દક્ષિણ ગાઝામાં આવેલા રફાહ શહેરમાં હુમલો કરતા ૧૮ બાળકો સહિત ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ઈઝરાયેલના સૈન્યે ગાઝા પટ્ટીની સાથે હવે વેસ્ટ બેન્કમાં હુમલા કરતા ૧૪ નાગરિકોને મારી નાંખ્યા છે. વધુમાં તેના આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં અનેક નાગરિકોની ધરપકડ કરીને તેમની સાથે લઈ ગયા છે. અન્ય એક હુમલામાં ઈઝરાયેલના સૈન્યે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરની છાતીમાં એવા સમયે ગોળી મારી જ્યારે તેના હુમલામાં ઈજાગ્રસ્ત નાગરિકને તે હોસ્પિટલ લઈ જતો હતો.
ઈઝરાયેલના સૈન્યે શુક્રવારે હુમલાની કાર્યવાહી શરૂ કરી હતી અને તે શનિવાર સુધી ચાલુ રહી હતી. આ સમયે ઈઝરાયેલના સૈન્યે કેટલાક હથિયારબંધ ફાઈટર સામે ભારે ગોળીબારનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલના સૈન્યે અનેક આતંકીઓને મારી નાંખ્યાનો અને અનેકની ધરપકડ કર્યાનો દાવો કર્યો હતો.
દરમિયાન વેસ્ટ બેન્કમાં ઈઝરાયેલના સૈન્યના હુમલાથી નારાજ થયેલા અમેરિકાએ આઈડીએફના સૈન્ય યુનિટ નેત્ઝાહ યેદુહા બટાલિયન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. અમેરિકાના આ પગલાંથી વડાપ્રધાન નેતન્યાહુને ભારે આંચકો લાગ્યો છે. જોકે, અમેરિકાએ તેના બચાવમાં કહ્યું હતું કે, તે હમાસ વિરુદ્ધના યુદ્ધમાં સતત આઈડીએફને ચેતવણી આપતું રહ્યું છે કે તેના ઓપરેશનોમાં નિર્દોષ લોકોના જીવ ના જાય તેનું ધ્યાન રાખે. ઈઝરાયેલના સૈન્ય યુનિટ પર પ્રતિબંધ મૂકવાની સાથે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે શનિવારે ઈઝરાયેલને સૈન્ય સહાય માટે ૨૬ અબજ ડોલરના પેકેજને મંજૂરી આપી છે, જેમાંથી નવ અબજ ડોલર ગાઝામાં પેલેસ્ટાઈનના નાગરિકોની સહાય માટે ખર્ચ કરવામાં આવશે.
ઈઝરાયેલ સૈન્યની નેત્ઝાહ યેદુહા બટાલિયન તેના જૂના ઓપરેશનો અંગે પણ ઘણી જ બદનામ રહી છે. આ બટાલિયન પર ભૂતકાળમાં દક્ષિણપંથી ઉગ્રવાદ અને પેલેસ્ટાઈનના નાગરિકો વિરુદ્ધ હિંસા સંબંધી અનેક વિવાદોમાં સંડોવણીના આક્ષેપો મૂકાયા છે. જોકે, અમેરિકાના પ્રતિબંધોથી ભડકી ઊઠેલા પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે, અમેરિકાએ આ પગલું એવા સમયે લીધું છે જ્યારે અમારા સૈનિકો આતંકવાદી રાક્ષસો વિરુદ્ધ લડી રહ્યા છે. આઈડીએફમાં એક યુનિટ વિરુદ્ધ પ્રતિબંધો મૂકવાનો ઈરાદો અમેરિકાના નૈતિક પતનની પરાકાષ્ઠા છે.
હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં નેતન્યાહુ વિરુદ્ધ નાગરિકોના દેખાવો યથાવત્
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને છ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. આવા સમયે ઈઝરાયેલના નાગરિકોનો તેમના જ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. શનિવારે ફરી એક વખત હજારોની સંખ્યામાં લોકો તેલ અવીવ, યેરુશલેમ સહિત સમગ્ર ઈઝરાયેલમાં પીએમ નેતન્યાહુ વિરુદ્ધ રસ્તા પર નીકળ્યા હતા. તેમણે હાથોમાં બેનર-પોસ્ટર અને ઈઝરાયેલનો ધ્વજ લઈને ગાઝામાં બંધક બનાવાયેલા ઈઝરાયેલના નાગરિકોની મુક્તિની માગ કરી હતી. એટલું જ નહીં દેખાવકારોનો આક્ષેપ છે કે બંધકોને છોડાવવા માટે પીએમ નેતન્યાહુ ગંભીર નથી. સાથે જ તેમણે પીએમ નેતન્યાહુને સરમુખત્યાર ગણાવતા કહ્યું કે, દેશ તેમનાથી છૂટકારો મેળવવા માગે છે, પરંતુ એવું થઈ શક્યું નથી.