Gujarat By-Election: વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપે ક્ષત્રિય ઉમેદવારને આપેલી ટિકિટના પગલે કોંગ્રેસ પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતારે તેવા અણસાર આવી છે. ત્યારે બીજી તરફ ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે તેની આગ વડોદરા સુધી પહોંચી રહી હોવાનું દેખાતા હવે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં પણ ક્ષત્રિય મત કોને ફળે છે? તેના પર ઝીણવટભરી નજર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની મંડાયેલી છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી મેદાને
ગત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ પોતે ક્ષત્રિય હોવાથી અહીંની બેઠક પર ખૂબ જ અસરકારક ગણાતા ક્ષત્રિય મતનો તેમને ફાયદો મળ્યો હતો, તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારને પછાડીને જીત મેળવી હતી, પરંતુ તેઓ વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપીને ભાજપમાં વિધિવત જોડાયા હતા. હવે ભાજપે ફરી તેમને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
બીજી તરફ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે અને રાજકોટમાં કોઈપણ ભોગે ક્ષત્રિય સમાજને રૂપાલા ઉમેદવાર જોઈએ નહીં તેઓ એક સૂર ચાલી રહ્યો છે. આ વચ્ચે છેલ્લા બે દિવસથી પરશોત્તમ રૂપાલાની બેઠક બદલવામાં આવે તેવી અટકણો ચાલી રહી છે. ત્યારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં જે વિરોધની આગ ઊભી થઇ છે તે વડોદરા સુધી પણ પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે પરશોત્તમ રૂપાલા સામે ગાંધીનગર ગૃહ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. ગઈકાલે વડોદરા રાજપૂત સમાજ દ્વારા માણેજામાં પણ બેઠક યોજાઈ હતી અને પરશોત્તમ રૂપાલાના નિવેદન અંગે તેમની ખૂબ જ ઝાટકણી કરવામાં આવી હતી.
ક્ષત્રિય મતદારોની મહત્ત્વની ભૂમિકા
લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી યોજાશે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ક્ષત્રિય મત ખૂબ મહત્ત્વના ગણવામાં આવે છે, ત્યારે હવે કોંગ્રેસે પણ વાઘોડિયામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય એવા ક્ષત્રિય વ્યક્તિને ટિકિટ આપવાનું વિચારી રહી છે. જે વાઘોડિયાની સાથે-સાથ અનગઢ, શેરખી સહિતના વિસ્તારોમાંથી પણ પક્ષના મત ખેંચી શકે. તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે કોંગ્રેસ પાર્ટી કેટલો ફાયદો લઈ શકાય છે? તે અંગે પણ મંથન કરી રહી છે. વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં ક્ષત્રિય મતદારો મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે હવે જો ક્ષત્રિય મત બેંક કયા ઉમેદવાર તરફ ઝુકાવ દર્શાવે છે? તેના તરફ આ બેઠક પર આગામી હાર જીતનો નિર્ણય બદલાઈ શકે તેમ જોવાઈ રહ્યું છે.