Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ ગુજરાતની બે બેઠક વડોદરા અને સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે. તો રાજ્યમાં વધુ કેટલીક બેઠકો પર ઉમેદવારો બદલવાની માગ થઈ રહી છે. ત્યારે ભાજપની ઉમેદવાર બદલવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી રહી. આ વચ્ચે હવે વડોદરા બેઠક કંઈક અલગ જ વાત સામે આવી રહી છે. સરકારી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયા હોવાથી વડોદરા બેઠક પર જે ઉમેદવાર પૈસા ખર્ચી શકે તેને તક આપવાની વાત કરાઈ હોવાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે જિલ્લાના એક અગ્રણીએ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવા પોતાની આઠ વીઘા જમીન વેચવા કાઢી હોવાની કોંગ્રેસમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સર્જાઈ આર્થિક કટોકટી
વડોદરા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવારની ઘોષણા કરી દીધી હતી. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તે પહેલા જ આવકવેરા વિભાગે કોંગ્રેસને ટેક્સ ચૂકવણીની નોટિસ આપી હતી. આ સાથે જ કોંગ્રેસના દેશભરના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. જેથી આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ માટે આર્થિક કટોકટી સર્જાઈ છે. જોકે, સોમવારે આવકવેરા વિભાગ તરફથી સુપ્રીમ કોર્ટમાં જાણકારી અપાઈ છે કે, તે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં. આટલું જ નહીં, વિભાગે કોર્ટને કહ્યું કે, ‘આ કેસ જૂન સુધી સ્થગિત કરવામાં આવે અને ચૂંટણી પછી જ સુનાવણી હાથ ધરવામાં આવે. અમે લોકસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષની પરેશાનીઓ વધારવા માગતા નથી.’
કોંગ્રેસે શહેરના સ્થાનિક બે નેતાઓને ચૂંટણી લડવા માટેની પૃચ્છા કરી
હવે વડોદરા લોકસભા બેઠક પર ભાજપના બીજા ઉમેદવાર તરીકે ડૉ. હેમાંગ જોશીનું નામ જાહેર કરાયું છે. જ્યારે કોંગ્રેસે શહેરના સ્થાનિક બે નેતાઓને ચૂંટણી લડવા માટેની પૂછપરછ કરી હતી. જેમાં તેઓ રૂપિયા દોઢ કરોડ જેટલો ખર્ચ કરી શકે તેવા સક્ષમ હોવાની સ્થિતિમાં જ પક્ષ તેમને ટિકિટ આપશે તેમ જણાવ્યું હતું.
વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના નેતાએ આઠ વિઘા જમીન વેચવા કાઢી
ઉપરથી કોઈ ફંડ નહીં આવે તેવી ચર્ચાના પગલે કોંગ્રેસમાં હાલ કોઈ દાવેદારી કરવા તૈયાર ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વડોદરાની બેઠક પર ધનાઢ્ય ઉમેદવારને પસંદ કરવો પડે તેવી પરિસ્થિતિ પક્ષ માટે સર્જાઇ છે. વડોદરા શહેરના બે અગ્રણીઓને ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પાર્ટીએ પૃચ્છા કરી હતી, પરંતુ તેમણે પૈસા કાઢીને ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તમામ પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી લડવા હરખાયા બનેલા વડોદરા જિલ્લાના એક આગેવાને વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા પોતાની આઠ વિઘા જમીન વેચવા કાઢી હોવાની બાબત હાલ કોંગ્રેસમાં ખૂબ ચર્ચાની એરણે છે. વાત નહીં અને વાયદો નહીં, તેમ જે કોઈ ઉમેદવાર પાસે રોકડ રકમ હશે તેને ટિકિટ આપવાનું પક્ષ દ્વારા પ્રાધાન્ય આપી શકે છે.