Image Source: Twitter

Ismail Haniyeh and Erdogan Meeting: તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયા વચ્ચે બેઠક થયા બાદ ગાઝામાં નવાજૂની થવાની અટકળો વેગ પકડી રહી છે.

તૂર્કીના ઈસ્તંબુલમાં બંને વચ્ચેની બેઠક અઢી કલાક ચાલી હતી અને એ પછી એર્દોગને ઈઝરાયલ પર બરાબર માછલા ધોયા હતા. તેમણે કહ્યુંં હતું કે, ‘ઈઝરાયલે ગાઝામાં કરેલી કાર્યવાહી માનવતા પર ધબ્બા સમાન છે. ઈઝરાયલ બાળકો અને મહિલાઓને મારીને અપરાધ કરી રહ્યુ છે અને તેને કોઈ પણ કાળે યોગ્ય ઠેરવી શકાય તેમ નથી.’

તૂર્કીના મીડિયા રિપોર્ટ અનુસાર અઢી કલાકથી વધારે સમય ચાલેલી બેઠકમાં એર્દોગને હમાસને મુક્તિ જૂથ ગણાવ્યું હતું અને ઈઝરાયલીઓને નાઝીઓ કરતા પ ણ ખરાબ ગણાવ્યા હતા. એર્દોગન અને ઈસ્માઈલ હાનિયા વચ્ચેની વાતચીતમાં પેલેસ્ટાઈનની એકતા જળવાઈ રહે તે મુદ્દા પર ભાર મુકાયો હતો. એર્દોગને કહ્યું હતુ કે, ‘પેલેસ્ટાઈના નાગરિકો એક થઈને રહેશે તો જ ઈઝરાયલને હરાવી શકશે. ઈઝરાયલ સામેની જીતનો રસ્તો એકતામાંથી જ નીકળી શકશે.’ 

પશ્ચિમના દેશો હમાસને આતંકી સંગઠન માને છે પણ તૂર્કીએ હમાસને પેલેસ્ટાઈનની આઝાદી માટે લડી રહેલા સંગઠનનો દરજ્જો આપેલો છે. તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન જ્યારથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં સંઘર્ષ થયો છે ત્યારથી ઈઝરાયલનો કટ્ટર વિરોધ કરી રહ્યા છે અને ગત વર્ષે તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂની સરખામણી હિટલર સાથે કરીને ઈઝરાયલને આતંકી દેશ જાહેર કરી દીધો હતો.

હમાસ અને તૂર્કી વચ્ચેના સબંધો બહુ જૂના છે. 2011થી તૂર્કીમાં હમાસનુ એક કાર્યાલય છે. એર્દોગન અને હમાસના ચીફ હાનિયા વચ્ચે સારો મનમેળ છે. તૂર્કી અત્યારે પેલેસ્ટાઈનને માનવીય સહાય પણ પહોંચાડી રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *