Image Source: Twitter
અમેરિકાએ પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનોલોજી પૂરી પાડી રહેલી બેલારુસની એક તેમજ ચીનની ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ મુકી દીધા બાદ પાકિસ્તાનની સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ છે.
અમેરિકાએ કરેલી કાર્યવાહી બાદ શનિવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યુંં હતુંં કે, ‘એકસપોર્ટ કંટ્રોલના કાયદાનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’
અમેરિકાનુ નામ લીધા વગર વિદેશ મંત્રાલયના પ્રવકતા મુમતાઝ બલોચે બળાપો ઠાલવતા કહ્યુંં હતુંં કે, ‘આખી દુનિયા જાણે છે કે, જે દેશો પરમાણુ હથિયારો પર નિયંત્રણ લાદવાની વાત કરે છે તેમણે કેટલાક દેશો માટે એડવાન્સ ટેકનોલોજી પ્રાપ્ત કરવા લાઈસન્સની જરુરિયાતને પણ માફ કરી દીધી છે. આ પ્રકારના બેવડા ધોરણો અને ભેદભાવથી પરમાણુ હથિયારો પર નિયંત્રણ રાખતી સિસ્ટમની વિશ્વસનિયતા પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે અને તેના કારણે વૈશ્વિક તથા ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનો ઉદ્દેશ પણ જોખમાય છે. આ પહેલા પણ કોઈ પૂરાવા આપ્યા વગર કેટલીક કંપનીઓને પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ સાથે સંકળાયેલી હોવાના આરોપસર પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.’
તેમણે આગળ કહ્યું હતું કે, ‘અમને અમેરિકાના નવા નિયમોની ઉંડાણપૂર્વકની જાણકારી નથી પણ અગાઉ પણ માત્ર શંકાના આધારે અમેરિકાએ આ પ્રકારની કાર્યવાહી કરી છે. તેની સામે પાકિસ્તાને પહેલા પણ એકસપોર્ટ કંટ્રોલના કાયદાને મનસ્વી રીતે લાગુ કરતા પહેલા સબંધિત પક્ષો સાથે વાતચીત કરવામાં આવે તેવી ભલામણ કરેલી છે. જેથી મિસાઈલ ટેકનોલોજીના નામે સામાજિક અને આર્થિક વિકાસ માટે જરુરી ટેકનોલોજી પ્રતિબંધનો શિકાર ના બને. અમેરિકાએ જેના પર પ્રતિબંધ મુકયો છે તે કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ પાકિસ્તાનમાં કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે તેના પર ચર્ચા કરવા માટે પણ અમે તૈયાર છે.’
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ જે કંપનીઓ પર પ્રતિબંધ મુકયો છે તેમાં ચીની શિયાન લોન્ગદે ટેકનોલોજી, તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ તથા ગ્રેનપેકટ કંપની લિમિટેડ અને બેલારુસની મિન્સ્ક વ્હીલ ટ્રેકટર પ્લાન્ટ કંપની સામેલ છે. અમેરિકાએ કહ્યું છે કે, ‘અમે આ કંપનીઓને સજા કરવાના આશયથી નહીં બલ્કે તેમનામાં હકારાત્મક બદલાવ લાવવા માટે પ્રતિબંધ મૂકયો છે.’