Lok Sabha Elections 2024 : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનની આગેવાની હેઠળ તેમજ ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)ના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનાર ઉલગુલાન રેલી (Ulgulan Nyay Rally)માં આજે ભારે હોબાળો મચ્યો હતો. અહીં બે જૂથોના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થવા ઉપરાંત એકબીજા પર ખુરશીઓ ફેંકવાની અને લાકડીઓથી હુમલો કરવાની પણ ઘટના બની છે, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિના માથામાંથી લોહી વહી રહ્યું છે. એવું કહેવાય છે કે, ટિકિટ વહેંચણી મુદ્દે ઉમેદવારો વચ્ચે મતભેદ થયો હતો, જેના કારણે આ ઘટના બની છે.
આરજેડી-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
મળતા અહેવાલો મુજબ કથિત જમીન કૌભાંડમાં જેલમાં બંધ હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં ‘ઉલગુલાન રેલી’નું આયોજન કરાયું છે. જોકે રેલીમાં ગઠબંધનના નેતાઓ પહોંચે તે પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે ભિડાઈ ગયા હતા. આરજેડી ચતરા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કે.એન.ત્રિપાઠીનો વિરોધ કરી રહી હતી.
મંચ પર હેમંત સોરેન અને કેજરીવાલ માટે બે ખુરશી ખાલી રખાઈ
ઝારખંડ (Jharkhand)ની રાજધાની રાંચીમાં યોજાનાર રેલીમાં ગઠબંધનના ઘણાં નેતાઓ પહોંચી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal), પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann), AAP સાંસદ સંજય સિંહ (Sanjay Singh) અને તેમની પત્ની પણ રેલીમાં ભાગ લેવા રાંચી પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની તબીયત લથડતા તેઓ રેલીમાં ભાગ નહીં લે. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રેલીમાં ભાગ લેશે. મંચ પાસે હેમંત સોરેન (Hemant Soren) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) માટે બે ખુરશી ખાલી રાખવામાં આવી છે. રેલીમાં 14 પક્ષોના નેતાઓ સામેલ થવાની સંભાવના છે.