Image Social Media
Lok Sabha Elections 2024: ધર્મ અને રાજકારણનો સંબંધ ખૂબ જ જૂનો છે. રાજનેતા મોટાભાગે ધર્મગુરુઓના શરણમાં જોવા મળતા હોય છે. ચૂંટણીની મોસમમાં તેમની દખલગીરી વધી જાય છે. આજે આપણે ચૂંટણીમાં નેતાઓ આધ્યાત્મિક ગુરુઓ, સંતો અને તેમના અનુયાયીઓ સાથેની રસપ્રદ ઘટનાઓ વિશે વાત કરીએ.
બનારસમાં રહેતા એક સાધુ ફરતાં ફરતાં આશરે 200 કિલોમીટર દૂર દેવરિયા પહોંચ્યા. સરયુના કિનારે એક ગામમાં પડાવ નાખ્યો. સાંજે ગામલોકો ભેગા થયા અને બાબાને તેમની વ્યથાઓ કહેવા લાગ્યા. ગ્રામજનોએ કહ્યું કે, સરયુ નદીનું લેવલ એટલી ઝડપે વધી રહ્યું છે જેના કારણે તેમની ખેતીની જમીન નદીમાં ડૂબી રહી છે અને આજીવિકા પર જોખમ આવી રહ્યું છે. દુબળા- પતળા શરીરવાળા આ સાધુ ચુપચાપ ગામલોકોની વાત સાંભળતા રહ્યા.
જ્યારે ચર્ચા પૂરી થયા પછી તેમણે કહ્યું કે, તમે લોકો સરયૂના કિનારે પાલખ બાંધો, બાકીનું બધુ હું જોઈ લઈશ. ગ્રામજનોએ તાત્કાલિક એક પાલખ તૈયાર કરી અને સાધુ આ પાલખ પર રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ જાણે નદીનું રૌદ્ર સ્વરૂપ અચાનક શાંત થઈ ગયું. હવે સરયુ નદી બિલકુલ શાંત થઈ ગઈ હતી. આ સાધુનું નામ હતું દેવરાહ બાબા.
કોણ હતા આ દેવરાહ બાબા ?
દેવરાહ બાબાનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો, તેમના માતા-પિતા કોણ હતા, તેમનો પરિવાર ક્યાં છે હતો અને તેમનું અસલી નામ શું હતું તે અંગેની કોઈ પુષ્ટિ માહિતી નથી. તેમણે તેમનું મોટાભાગનું જીવન દેવરિયામાં વિતાવ્યું, એટલે તેઓ દેવરાહ બાબાના નામથી જાણીતા હતા. કેટલીક જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દેવરિયા આવતા પહેલા બાબા બનારસમાં બોટ પર રહેતા હતા .
ચૂંટણી હાર્યા બાદ ઈન્દિરા પણ ગયા હતા બાબાના શરણે
દેવરિયામાં આવ્યા પછી દેવરાહ બાબાની ખ્યાતિ ખૂબ વધવા લાગી. તેમના અનુયાયીઓ મોટાભાગના દિગ્ગજો હતા. જેમાં ઈન્દિરા ગાંધી, અટલ બિહારી બાજપેયી, મુલાયમ સિંહ યાદવ, વીરબહાદુર સિંહ, વિન્દેશ્વરી દુબે જેવા નેતાઓ દેવરાહ બાબાને તેમના પ્રેરણા સ્ત્રોત તરીકે બોલાવતા હતા અને કેટલીયેવાર તેમને મળવા પણ આવતાં હતા. ઈમરજન્સી બાદ લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઈન્દિરા ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અને તેનો ઈન્દિરાને મોટો આઘાત લાગ્યો હતો. રાજકીય વર્તુળોમાં એવી વાતો વહેતી થઈ હતી કે, જનતા પાર્ટીની સરકાર તેમના પુત્ર સંજય ગાંધીને જેલમાં ધકેલી શકે છે. સંજયને ઈમરજન્સીનો ‘ખલનાયક’ તરીકેનો કરાર આપવામાં આવશે.
આ સમય દરમિયાન ઈન્દિરા ગાંધીના નજીકના મિત્રએ તેમને દેવરાહ બાબા વિશે વાત કરી હતી. ઈન્દિરા દેવરાહ બાબાને મળ્યા અને બાબાએ હાથ ઊંચો કરીને તેમને આશીર્વાદ આપ્યા. એ પછી ઈન્દિરાએ રાજકીય ક્ષેત્રે કેટલાક ફેરફાર કર્યો. દેવરાહ બાબા સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધી જ્યારે દિલ્હી પરત આવ્યા પછી તેમણે કોંગ્રેસના ચૂંટણી નિશાનને બદલી હાથનો પંજામાં કરી નાખ્યું. આ પછી 1980ની લોકસભા ચૂંટણીમાં તે ફરીથી સત્તામાં આવ્યા. એ લોકસભાની ચૂંટણીમાં વિજય પછી માત્ર ઈન્દિરા ગાંધી જ દેવરાહ બાબાના ભક્ત બન્યા ન હતા, પરંતુ તેમના પુત્ર રાજીવ ગાંધી પણ તેમના અનુયાયી બની ગયા હતા.
રાજીવ ગાંધી સાથે જોડાયેલી ભવિષ્યવાણી
એ સમયના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એકવાર રાજીવ ગાંધીને દેવરાહ બાબાને મળવા માટે આવવાના હતા. તેથી દેવરાહ બાબાની આજુબાજુ ઘણા બાવળના વૃક્ષો ઉભા હતા. રાજીવ ગાંધીના હેલિપેડ માટે અધિકારીઓએ બાવળના ઝાડ કપાવવાનું શરુ કર્યુ્. આ વાતની જાણ જ્યારે દેવરાહ બાબાને થઈ તો તેમણે કારણ પૂછ્યું. ત્યારે અધિકારીઓ કહ્યું કે વડાપ્રધાન આવી રહ્યા છે. એટલે બાબાએ કહ્યું કે, તેની સજા આ વૃક્ષોને કેમ ભોગવવી પડે? વૃક્ષો ન કાપવામાં આવે. અધિકારીઓએ તેમની મજબૂરી જણાવી પરંતુ બાબા સહમત ન થયા અને કહ્યું કે ચિંતા ન કરો, વડાપ્રધાનના આવવાનું જ ટળી જશે અને ખરેખરે એવું જ થયું. થોડીવારમાં દિલ્હીથી ટેલિગ્રામ આવ્યો કે વડાપ્રધાનની આ મુલાકાત મુકતવી રાખવામાં આવી છે.
અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યા હતા બે તાવીજ
26 જુલાઈ, 1982ના રોજ બેંગલુરુમાં ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ખૂબ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કોઈએ તેમના જીવ માટે હવન કરવાનું શરૂ કર્યું, તો કોઈએ દરગાહ પર ચાદર ચઢાવવાની માનતા રાખી, ડોકટરોને કોઈ સુજતુ ન હતું અને બચવાની કોઈ આશા નહોતી, કારણે કે ડોક્ટરોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા. તે સમયગાળા દરમિયાન ગાંધી અને બચ્ચન પરિવારની મિત્રતા ખૂબ જ સારી હતી.
રાજીવ ગાંધી અને અમિતાભ વચ્ચેની મિત્રતા હેડલાઇન્સ બનતી હતી. જ્યારે અમિતાભ બચ્ચન ઘાયલ થયા ત્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ અમેરિકાના પ્રવાસે ગયા હતા. રાજીવ ગાંધી તેમનો પ્રવાસ અધવચ્ચે જ છોડી તાત્કાલિક ભારત પરત ફર્યા હતા. ઈન્દિરા ગાંધી પરત ફરતાની સાથે જ તેઓ એરપોર્ટથી સીધા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ગયા અને અમિતાભને જોઈને રડવા લાગ્યા હતા.
11માં દિવસે કોઈ ચમત્કાર થયો, અમિતાભ બચ્ચન તબિયત સુધરી
માખનલાલ ફોતેદાર તેમના પુસ્તક ‘ધ ચિનાર લીવ્ઝ: અ પોલિટિકલ મેમોયર’ (The Chinar Leaves: A Political Memoir) માં લખે છે કે, ઈન્દિરા ગાંધી વિદેશથી પાછા ફર્યા કે તરત મને કહ્યું કે, ‘પંડિત હરસુખને હોસ્પિટલમાં મોકલો અને અમિતાભના સ્વાસ્થ્ય માટે પૂજા શરૂ કરો…’ ફોતેદાર આગળ લખે છે કે, બીજે જ દિવસે ઈન્દિરા ગાંધીએ મને સફેદ કપડામાં લપેટી એક તાવીજ, પ્રસાદ અને બીજી કેટલીક પૂજા સામગ્રી મને આપી અને કહ્યું કે, આને તરત હોસ્પિટલમાં અમિતાભને પહોંચાડો. એવુ કહેવામાં આવતું હતું કે, તાવીજ ઈન્દિરાને ગાંધીને દેવરાહ બાબા પાસે બનાવડાવ્યું હતું અને બાબાએ તેને અમિતાભના ઓશીકા નીચે રાખવા કહ્યું હતું. તેને આગામી 10 દિવસ સુધી તેમણે અમિતાભ બચ્ચનના ઓશીકા નીચે તાવીજ રાખ્યું અને પંડિત હરસુખે પૂજા કરવાનું ચાલુ રાખ્યું. 11માં દિવસે એક ચમત્કાર થયો અને અમિતાભ બચ્ચનની તબિયતમાં સુધારો થવા લાગ્યો.
રાજા ભૈયાનું નામકરણ
દેવરાહ બાબાના અનુયાયીઓમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્ય અને જાણીતા નેતા રાજા ભૈયાનો પણ સમાવેશ થાય છે. તેમનુ નામ દેવરાહ બાબાએ રાખ્યું છે. એક ઈન્ટરવ્યુમાં રાજા ભૈયા કહે છે કે મને અને મારા પરિવારને દેવરાહ બાબામાં ઊંડી શ્રદ્ધા છે. જ્યારે હું ઘણીવાર મારા પિતા સાથે તેમની મુલાકાત લેતો હતો ત્યારે તેઓ મને રાજા કહીને બોલાવતા હતાં. મારુ નામ પણ તેઓ જ રાખ્યું છે. હું જ્યારે પણ ઘરથી બહાર નીકળુ છું ત્યારે તેમના આશિર્વાદ લઈને નીકળું છું.
રામ મંદિર આંદોલનમાં ભૂમિકા
દેવરાહ બાબાએ પણ રામ મંદિર આંદોલનને પણ સમર્થન આપ્યું હતું. વર્ષ 1989માં જ્યારે પ્રયાગ મહાકુંભમાં રામ મંદિર આંદોલનની રૂપરેખા તૈયાર થઈ રહી હતી ત્યારે દેવરાહ બાબાએ કહ્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ મારો આત્મા છે અને મારી સંમતિથી રામ મંદિર આંદોલન ચાલી રહ્યું છે. આ સિવાય બીજા અનેક પ્રસંગોમાં તેમણે રામ મંદિરના નિર્માણ વિશે વાત કરી હતી. ગયા વર્ષે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક વખતે મહેમાનોને મોકલવામાં આવેલા આમંત્રણ પર દેવરાહ બાબાની તસવીર પણ છપાઈ હતી અને મંદિર આંદોલનમાં તેમના યોગદાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
કેટલા વર્ષ જીવ્યા દેવરાહ બાબા ?
દેવરાહ બાબા (Devraha Baba Death)ના અવસાનનો સાર્વજનિક રીતે જે ફોટો ઉપલબ્ધ છે, તેમાં એક જેવો જ દેખાય છે. તેમના અનુઆયીઓ છ-સાત દાયકાઓ સુધી તેમને અનુસરી રહ્યા છે, અને કહે છે કે, તેઓએ ક્યારેય બાબાના કદમાં કોઈ ફેરફાર જોયો નથી. તે ક્યારેય બીમાર નથી પડ્યા. 1990માં વૃંદાવનમાં દેવરાહ બાબાએ પ્રાણ ત્યાગ કર્યા હતાં. કેટલાક અનુયાયીઓ માને છે કે બાબા 500 વર્ષ જીવ્યા અને પોતાની મરજીથી તેમના શરીરનો ત્યાગ કર્યો હતો.