Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે, હવે બીજા તબક્કાનું 26મી એપ્રીલે મતદાન થશે. જોકે બીજા તબક્કામાં જે પણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમાં દર સાતમાંથી એક ઉમેદવારની સામે ગંભીર ગુનાના કેસો છે. જ્યારે દર ત્રણમાંથી એક કરોડપતિ છે. આ માહિતી ચૂંટણીઓ પર કામ કરતી સંસ્થા અસોસિએશન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (ADR)ના રિપોર્ટમાં સામે આવી છે. બીજા તબક્કાના 1198માંથી 1192 ઉમેદવારો પર આ અભ્યાસ હાથ ધરાયો હતો.

દર સાતમાંથી એક સામે ગંભીર ગૂનાના કેસ

26મી એપ્રીલે બીજા તબક્કાનું મતદાન થશે, જેમાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોમાં દર સાતમાંથી એક સામે ગંભીર ગૂનાના કેસ ચાલી રહ્યા છે. એડીઆરના જણાવ્યા મુજબ 167 ઉમેદવારો સામે ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે. જેમાં ત્રણ ઉમેદવારો સામે હત્યા, 24 સામે હત્યાનો પ્રયાસ, 25 ઉમેદવારો સામે મહિલાઓ સામેના અપરાધ અને 21 સામે ઉશ્કેરણીજનક ભાષણનો કેસ ચાલી રહ્યો છે. 32 ઉમેદવારોને તેમની સામે દાખલ ગુનામાં ગુનેગાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

45 મતવિસ્તારોને રેડ એલર્ટની કેટેગરીમાં રખાયા

ગંભીર ગુનાના કેસો ચાલી રહ્યા છે તેવા ઉમેદવારોની પક્ષો સાથે સ્થિતિ પર નજર કરીએ તો ભાજપના 21, કોંગ્રેસના 22, સીપીઆઇ(એમ)ના 7, સપાના બે અને જદ(યુ)ના એક, શિવસેના (યુબીટી)ના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં આવનારા 45 મતવિસ્તારોને રેડ એલર્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ત્રણથી ચાર ઉમેદવાર સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે. 

390 જેટલા ઉમેદવાર કરોડપતિ

એડીઆરના રિપોર્ટ અનુસાર બીજા તબક્કામાં 390 જેટલા કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 64 કરોડપતિ ઉમેદવારો સાથે ભાજપ (BJP) આગળ છે. જ્યારે કોંગ્રેસના પણ 62 કરોડપતિ ઉમેદવારો મેદાનમાં છે. અન્ય પક્ષો પર નજર કરીએ તો સીપીઆઇ(એમ)ના 12, જદ(યુ)ના 5, શિવસેના(યુબીટી)ના 4, સમાજવાદી પાર્ટી (સપા)ના 4 અને ટીએમસીના પણ ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ એક ઉમેદવાર દીઠ 5.17 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 39.70 કરોડ અને ભાજપના ઉમેદવારોની 24.68 કરોડ રૂપિયા છે. 

કોંગ્રેસના ઉમેદવાર પાસે સૌથી વધુ સંપત્તિ

કોંગ્રેસ (Congress)ના માંડ્યાના ઉમેદવાર સ્ટાર ચંદ્ર પાસે સૌથી વધુ 622.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે, બેંગલુરુ ગ્રામીણના ઉમેદવાર ડી કે સુરેશ પાસે 593.05 કરોડ રૂપિયાની, જ્યારે ભાજપના મથુરાના ઉમેદવાર અને અભિનેત્રી હેમા માલિની (Hema Malini) પાસે  278.93  કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના નાંદેડના એક અપક્ષ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા હોવાનું તેમણે જાહેર કર્યું છે. જ્યારે સૌથી ઓછી રકમવાળા બીજા ઉમેદવાર તરીકે કાસરગોડના રાજેશ્વરી પાસે માત્ર ૧૦૦૦ રૂપિયા અને અમરાવતીના ઉમેદવાર એડવોકેટ પૃથ્વી સમ્રાટ પાસે પણ માત્ર 1400 રૂપિયા હોવાનું તેઓએ જાહેર કર્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *