– દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે : પીએમ મોદી

– ચૂંટણી મેદાન છોડી ભાગનારા રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા, વર્તમાન પરિસ્થિતિ માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર

– વડાપ્રધાન હાર જોઈ ગયા હોવાથી હિન્દુ-મુસ્લિમોનું વિભાજન કરી તેમનામાં નફરતના બીજ વાવી રહ્યા છે ઃ રાહુલ ગાંધી

બાંસવાડા/જયપુર: કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તો દેશની સંપત્તિ ઘૂસણખોરો અને જેમના વધુ બાળકો છે તેમને વહેંચી દેશે. કોંગ્રેસ દેશની મહિલાઓના સોનાનો હિસાબ કરીને તેને વહેંચવા માગે છે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો. પીએમ મોદીના ભાષણ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે, વડાપ્રધાન તેમના જુઠ્ઠાણા મારફત ફરી હિન્દુ-મુસ્લિમોમાં વિભાજન કરાવવા માગે છે.

રાજસ્થાનના બાંસવાડામાં એક રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસની માનસિક્તાને ‘શહેરી નક્સલ’ તરીકે ગણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તેઓ માતાઓ-બહેનો પાસે રહેલા સોનાની ગણતરી કરશે, તેની માહિતી મેળવશે અને આ સંપત્તિનું વિતરણ કરી દેશે. 

વર્ષ ૨૦૦૬માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે કરેલી ટીપ્પણીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, મનમોહન સિંહની સરકારે ભૂતકાળમાં કહ્યું હતું કે, આ દેશની સંપત્તિ અને સંશાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.  એટલે કે કોંગ્રેસ જીતશે તો દેશની સંપત્તિ એકત્રિત કરીને કોને વહેંચશે – જેમના વધુ બાળકો છે તેમને, ઘૂસણખોરોને વહેંચશે. કોંગ્રેસની આ અર્બન નક્સલ જેવી વિચારસરણી માતા-બહેનોના મંગળસૂત્ર પણ રહેવા નહીં દે.

પીએમ મોદીના આ ભાષણ સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરતના બીજ વાવી રહ્યા છે. દેશમાં પહેલા તબક્કાના મતદાન પછી નરેન્દ્ર મોદીનું જુઠ્ઠાણું વધુ નીચા તળીયે ગયું છે. નરેન્દ્ર મોદીનું આ ભાષણ તેમનામાં રહેલી હતાશા દર્શાવે છે. તેઓ હાર જોઈ ગયા હોવાથી હવે હિન્દુ-મુસ્લિમોમાં વિભાજન કરવા માગે છે. નરેન્દ્ર મોદીએ જયપુરમાં એક ચૂંટણી રેલીમાં રવિવારે કહ્યું કે, પહેલા તબક્કાના મતદાનમાં અડધા રાજસ્થાને કોંગ્રેસને સજા આપી છે. દેશ કોંગ્રેસને તેના પાપોની સજા આપી રહ્યો છે. જે પક્ષ એક સમયે ૪૦૦ બેઠકો જીતતો હતો તે આજે આ લોકસભા ચૂંટણીમાં ૩૦૦ બેઠકો પર લડવા અસમર્થ છે. 

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પર પરોક્ષ હુમલો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, જે લોકો ચૂંટણી નથી લડી શકતા, ચૂંટણી જીતી નથી શકતા તેઓ મેદાન છોડીને ભાગી ગયા છે. આ વખતે તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં આવ્યા છે. કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ફેબુ્રઆરીમાં સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *